Site icon Revoi.in

કોરોના કાળમાં પણ સોનાની ચમક યથાવત્: રોકાણકારોને મળ્યું 28 ટકા રિટર્ન

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે બજારમાં જોખમ જોવા મળી રહ્યું છે ત્યારે વર્ષ 2020માં સેફ હેવન ગણાતા સોનું રોકાણકારોની પ્રથમ પસંદ રહ્યું છે. આ વર્ષે સોનાનાં રોકાણ પર અંદાજે 28 ટકા રિટર્ન મળ્યું છે, જે વર્ષ 2011માં આવેલા 31.1 ટકા બાદનું સૌથી વધુ રિટર્ન છે. સોના પર 15 વર્ષમાં સરેરાશ 14.1 ટકાના શાનદાર વળતર મળ્યું છે.

વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં આવેલી તેજીની અસર સ્થાનિક સરાફા બજાર પર પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષે સોનાનો ભાવ 23 ટકાથી વધુ ચઢ્યો છે, આ કારણે ઓગસ્ટમાં ભારતીય બજારમાં સોનાનો ભાવ રેકોર્ડ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જો કે ત્યારથી તેમાં 10 ટકાથી વધુનો ઘટાડો આવી ચૂક્યો છે અને ત્યાં સુધી કુલ રિટર્ન 27.7 ટકા રહ્યું છે.

આ દરમિયાન ચાંદી પણ પોતાની ટોચની સપાટીને સ્પર્શી અને કિંમત 77,840 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઇ, વર્ષ 2005થી અત્યાર સુધી સોનાનાં રોકાણમાં ત્રીજી વખત આટલી મોટી કમાણી થઇ છે, અને માત્ર બે વખત મુડી રોકાણમાં નુકસાન ઉઠાવવું પડ્યું છે. વર્ષ 2013 માં તેની કિંમત 18.7 ટકા ઘટી હતી.

રેટિંગ એજન્સી ક્રેડિટ સુઇસનાં જણાવ્યા પ્રમાણે આગામી વર્ષ જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક સુધી સોનાનો ભાવ 20 ટકા સુધી વધી શકે છે. ગોલ્ડમેન સાક્સે પણ વર્ષ 2021માં સોનાની કિંમતે વધશે તેવી આશા વ્યક્ત કરી અને કહ્યું કે બિટકોઇનનાં ફેલાવાની પણ તેની પર અસર નહીં પડે, જો કે કેટલાક નિષ્ણાતોએ તેમાં થોડા ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે રોકાણકારો હવે ફરીથી શેર અને મ્યુચ્યુઅલ ફ્ંડ જેવી જોખમી સંપત્તીઓમાં ફરીથી રોકાણ કરવા લાગ્યા છે.

(સંકેત)