Site icon Revoi.in

યુનિકોર્ન સ્ટાર્ટઅપ મામલે ભારતે બ્રિટનને આપી મ્હાત, યુનિકોર્ન સ્ટાર્ટઅપની સૂચિમાં ભારત ત્રીજા ક્રમાંકે પહોંચ્યું

Social Share

નવી દિલ્હી: ભારત તાજેતરના સમયમાં ઉભરતા અને નવીનતમ આઇડિયાને કારોબારમાં પરિવર્તિત કરતા સ્ટાર્ટઅપ માટેનું હબ બન્યું છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપ માટેનો માર્ગ વધુને વધુ મોકળો બન્યો છે.

સ્ટાર્ટઅપની બાબતે વૈશ્વિક સ્તરે ભારત અગ્રિમ હરોળમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાં 1 અબજ ડોલરથી વધુ મૂલ્યાંકન ધરાવતી 33 સ્ટાર્ટઅપ કંપનીઓને યુનિકોર્નનો દરજ્જો મળ્યો છે. આ સાથે ભારતે સિદ્વિ હાંસલ કરતા યુનિકોર્નની સૂચિમાં બ્રિટનને પણ મ્હાત આપી છે.

હુરન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સૂચિ જાહેર કરાઇ છે જેમાં યુનિકોર્ન કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સૂચિમાં ભારતનું પ્રદર્શન ચોક્કસપણે સુધર્યું છે પરંતુ અમેરિકા અને ચીન કરતાં હજુ પણ ભારત પાછળ છે. બ્રિટનને પછાડીને આ યાદીમાં ભારત ત્રીજા ક્રમાંકે છે.

અમેરિકા અને ચીનની વાત કરીએ તો અમેરિકામાં વધુ 254 યુનિકોર્નનો ઉમેરો થયો છે અને આ સાથે પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કંપનીઓની સંખ્યા વધીને 487 થઇ ચૂકી છે. ચીનમાં 74 યુનિકોર્ન કંપનીઓનો ઉમેરો થયો છે અને કુલ સંખ્યા વધીને 301 નોંધાઇ છે.

ભારતની વાત કરીએ તો આ વર્ષે 33 સ્ટાર્ટઅપ કંપનીઓ 1 અબજ ડોલરથી વધુના મૂલ્યાંકન સાથે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. આ સાથે ભારતમાં કુલ 54 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ થયા છે. બીજી તરફ બ્રિટનમાં આ વર્ષે 15 નવા યુનિકોર્નનો ઉમેરો થયો છે અને કુલ સંખ્યા 39 પર પહોંચી છે.

ભારત હાલ એવા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે જ્યાં સ્ટાર્ટઅપ ઝડપી ગતિએ વધી રહ્યા છે. ભારતમાં માત્ર એક જ વર્ષમાં યુનિકોર્નની સંખ્યા બમણાથી વધુ થઇ ગઇ છે. આ ઉપરાંત અમેરિકામાં સિલિકોન વેલીમાં 50થી વધુ યુનિકોર્ન કંપનીઓના સ્થાપકો પણ ભારતીય જ છે.