Site icon Revoi.in

કોરોનાની બીજી લહેર વચ્ચે સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તી, PMI 8 મહિનાના તળિયે

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન આર્થિક ગતિવિધિઓ મંદ પડ્યા બાદ દેશના સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 માસના તળિયે જોવા મળ્યો છે.

કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે અનેક રાજ્યોએ સ્થાનિક સ્તરે કેટલાક નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો હતો જેને કારણે સેવા ક્ષેત્ર પણ મંદીની ઝપેટમાં આવી ગયું હતું.

IHS માર્કિટ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર સેવા ક્ષેત્ર માટેનો પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) મેમાં 46.4 થયો છે, જે 1 મહિના પહેલા એપ્રિલમાં 54 પર હતો. PMI ઇન્ડેક્સ 50થી નીચે રહેવો તે જે-તે ક્ષેત્રમાં મંદી સૂચવે છે.

IHS માર્કિટ સર્વેમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઇના ડેટા પણ મેમાં ઘટીને 50.8 પર ગગડ્યો હતો. જે છેલ્લા 10 મહિનામાં આ સૌથી નીચલું સ્તર છે. સર્વેના માસિક રિપોર્ટ અનુસાર એપ્રિલ 2021માં મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ 55.5 હતું.

કોરોના મહામારીની બીજી લહેરને નિયંત્રણમાં રાખવા માટે અનેક રાજ્યોમાં લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોથી ભારતીય સેવાઓ માટેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગ ઘટી છે. IHS માર્કિટના ઇકોનોમિક્સ એસોસિયેટ ડિરેક્ટર પોલિયાના ડી લિમાએ જણાવ્યું હતું કે, 8 મહિનામાં પ્રથમ વખત કુલ વેચાણમાં ઘટાડો થયો હતો.

ભારતીય સેવા ક્ષેત્રના નવા નિકાસ ઓર્ડર 6 મહિનામાં સૌથી વધુ ઝડપી દરે ઘટ્યો છે. રોજગારી મોરચે જોઇએ તો માંગ ઘટતા અને આગામી સમયની ચિંતાને જોતા સર્વિસ કંપનીઓએ મે માસમાં ફરીથી કર્મચારીઓની છટણી ઘટાડી છે.

નવા ઓર્ડરમાં નવ મહિનામાં પ્રથમ વખત ઘટાડો થયો છે અને સતત 15માં મહિને ખાનગી ક્ષેત્રની નોકરીમાં ઘટાડો થયો.