Site icon Revoi.in

ભારત-બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે, બંને દેશો વચ્ચે FTA મંત્રણાની શક્યતા

Social Share

નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બની શકે છે. બંને દેશો વચ્ચે 1 નવેમ્બર, 2021થી વેપાર સોદા પર વાટાઘાટો શરૂ કરવાની યોજના છે. બંને દેશો આગામી વર્ષે માર્ચ સુધીમાં વચગાળાના વેપાર સોદા પર મંથન કરી રહ્યા છે. આ બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની શક્યતા છે. આ કરારમાં અમુક ઊંચી જરિયાત ધરાવતા ઉત્પાદનો તેમજ સેવાઓ પર પ્રારંભિક રાહત અને બજાર સુધી તેને સપ્લાય કરવા અંગે નિર્ણયો લેવાશે.

વચગાળાનો વેપાર કરાર મુક્ત વેપાર કરાર તરફનું પ્રથમ પગલું છે. તેઓએ જણાવ્યું કે તેનાથી બંને દેશો વચ્ચેની ભાગીદારીને તાત્કાલિક ફાયદો ઉઠાવવામાં મદદ મળશે તેવો આશાવાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વ્યક્ત કર્યો છે.

પિયુષ ગોયલે સોમવારે બ્રિટિશ વાણિજ્ય મંત્રી લિઝ ટ્રસ સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં આ મુદ્દાઓની ચર્ચા કરી હતી.બંને દેશોનું હિત સચવાય તેવી સેવાઓને વચગાળાના કરારમાં ઉમેરવામાં આવશે જેમાં ભારતની પ્રાથમિકતાવાળા ક્ષેત્રોને પણ સામેલ કરાશે.મંત્રીએ કહ્યું હતું કે જરૂર પડશે તો અમે નર્સિંગ અને આર્કિટેક્ચર સેવાઓ જેવી અમુક પસંદગીની સેવાઓ માટે પરસ્પર સમજૂતી પણ કરી શકીએ છીએ.

એક સત્તાવાર નિવેદન અનુસાર, ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત એફટીએ અસાધારણ વ્યાપરિક તકો ખોલશે અને રોજગારીનું સર્જન કરશે. બંને પક્ષોએ તમામને ફાયદો થાય તે રીતે વેપાર વધારવા અને વેગ આપવા માટે પ્રતિબદ્વતા વ્યક્ત કરી છે.