Site icon Revoi.in

દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ યથાવત્, વપરાશ કરનારા દંડાશે

Social Share

નવી દિલ્હી: અમેરિકાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાની બિટકોઇનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાતથી ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જો કે, ભારતમાં લોકો, વેપારીઓ તેમજ કંપનીઓ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરી શકશે નહીં. એટલું જ નહીં જે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરશે તેને દંડ થશે તેમ કેન્દ્ર સરકારના ડિજીટલ કરન્સી અંગેના સૂચિત કાયદામાં જણાવાયું છે. કેન્દ્ર સરકાર હાલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા દેશમાં રજૂ કરાનારી નવી ડિજીટલ કરન્સી સંબંધે કાયદો બનાવી રહી છે.

સમગ્ર વિશ્વમાં હાલમાં નાણાકીય લેવડ-દેવડ તેમજ રોકાણ માટે બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે અને ભારતમાં પણ બે વર્ષ પહેલાં RBIએ ડિજીટલ કરન્સીને મંજૂરી આપવા સંબંધે પહેલી વખત સંકેત આપ્યા હતા. તાજેતરમાં નાણાકીય નીતિની જાહેરાત સમયે પણ RBI એ જણાવ્યું હતું કે, તે દેશમાં ડિજીટલ કરન્સી રજૂ કરવા અંગે વિચારણા કરી રહી છે.

આ દિશામાં આગળ વધતાં સરકાર તરફથી દેશમાં ડિજિટલ કરન્સી માટેના કાયદાનો સૂચિત મુસદ્દો તૈયાર કરાઈ રહ્યો છે. આ મુસદ્દા મુજબ ભારતીય કંપનીઓ અથવા સામાન્ય જનતા ડિજિટલ કરન્સી તરીકે સંપત્તિ એકત્રીત કરી શકશે નહીં. આ બિલ ટૂંક સમયમાં જ સંસદમાં રજૂ કરાઈ શકે છે.

સરકાર અને આરબીઆઈ બંને વર્ચ્યુઅલ કરન્સી અંગે સતત ચેતવણી આપી રહ્યા છે. સાથે બધી જ સરકારી બેન્ક અને નાણાકીય સંસ્થાઓને તેમાં લેવડ-દેવડ નહીં કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં 70 લાખથી વધુ ભારતીયો પાસે હાલ એક અબજ ડોલરના મૂલ્યની ક્રિપ્ટો કરન્સી છે. ગયા વર્ષની સરખામણીમાં તેમાં સાત ગણો ઉછાળો આવ્યો છે.

2019ની મધ્યમાં ભારત સરકારની પેનલે ડિજિટલ કરન્સીમાં કોઈપણ પ્રકારના વ્યવહાર માટે ૧૦ વર્ષ સુધીની જેલ અને ભારે નાણાકીય દંડ સાથે બધી જ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. એપ્રિલ ૨૦૧૮માં આરબીઆઈએ બધી જ નાણાકીય સંસ્થાઓને ત્રણ મહિનામાં બિટકોઈન જેવી બધી જ ખાનગી ક્રિપ્ટો કરન્સીમાં સોદા કરનારા લોકો અને કંપનીઓ સાથેના સંબંધો તોડી નાંખવા નિર્દેશો આપ્યા હતા. જોકે, માર્ચ ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય બેન્કનો પ્રતિબંધ ઉથલાવતાં એક્સચેન્જીસ અને ટ્રેડર્સના ક્રિપ્ટો કરન્સીના સોદાઓના વ્યવહારોને હાથ ધરવા બેન્કોને મંજૂરી આપી હતી.

સંસદમાં રજૂ થનારા સૂચિત બિલમાં બિટકોઈન જેવી બધી જ ખાનગી ડિજિટલ કરન્સીની લેવડ-દેવડ સંપૂર્ણપણે પ્રતિબંધિત હશે. સરકાર ડિજિટલ કરન્સીના અસામાન્ય ઉતાર-ચઢાવ અંગે સાવધ છે. નવા બિલમાં સરકારી ડિજિટલ કરન્સી, તેની લેવડ-દેવડનું સંપૂર્ણ માળખું હશે. તે વર્તમાન સમયમાં પ્રચલિત ડિજિટલ કરન્સીથી સંપૂર્ણપણે અલગ હશે, કારણ કે તેનું નિયંત્રણ દેશની કેન્દ્રીય બેન્ક પાસે હશે.

(સંકેત)