Site icon Revoi.in

કેન્દ્રનો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, DAP પર સરકારે સબસિડી 140% વધારી

Social Share

નવી દિલ્હી: ખેડૂતો માટે સકારાત્મક સમાચાર છે. કેન્દ્ર સરકારે હવે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોને હવે DAPની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1200 રૂપિયા સબસિડી મળશે. ખેડૂતોને હવે DAPની એક બોરી 2400 રૂપિયાને બદલે માત્ર 1200 રૂપિયામાં જ મળશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ખેડૂતો માટેની DAP પરની સબસિડી માટે સરકાર અંદાજે 14,775 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મૂલ્ય વૃદ્વિ છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. ખેડૂતોનું કલ્યાણ એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ ખાતરની કિંમત સંદર્ભે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા થઇ હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે એસિડ, એમોનિયા વગેરેની કિંમતોમાં તેજીથી ખાતરની કિંમતોમાં વૃદ્વિ થઇ છે. પીએમ મોદીએ જો કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તેજી છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઇએ તેવું ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં ડીએપી ખાતર માટેની સબસિડી એક બોરી દીઠ 500 રૂપિયાથી 140 ટકા વધારીને 1200 રૂપિયા પ્રતિ બોરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ગત વર્ષે ડીએપીની વાસ્તવિક કિંમત 1700 રૂપિયા પ્રતિ બોરી હતી જેમાં કેન્દ્ર બોરી દીઠ 500 રૂપિયા સબસિડી આપી રહ્યું હતું. આ કારણે કંપની ખેડૂતોને 1200 રૂપિયા પ્રતિ બોરીના હિસાબથી ખાતરનું વેચાણ કરતી હતી. જો કે હવે એક બોરી પર 500 રૂપિયાના બદલે 1200 રૂપિયા સબસિડી મળશે.