Site icon Revoi.in

ભારતમાં વધતા ભાવ વચ્ચે ન્યૂયોર્કમાં મુંબઇ કરતાં અડધા ભાવે મળે છે પેટ્રોલ

Social Share

નવી દિલ્હી: એક તરફ કોરોના વાયરસની મહામારી છે તો બીજી તરફ જનત મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આસમાનને આંબ્યા છે અને જનતાની કમર તૂટી ચૂકી છે. દેશમાં ઘણી જગ્યા પર પેટ્રોલની કિંમત સદીએ પહોંચી ચૂકી છે એટલે કે 100 રૂપિયાને વટાવી ચૂકી છે. મુંબઇમાં પણ પેટ્રોલ 100ને પાર પહોંચી ગયું છે. જો કે અહીંયા નવાઇની વાત એ છે કે મુંબઇ કરતાં અડધી કિંમતે પેટ્રોલ ન્યૂયોર્કમાં વેચાઇ રહ્યું છે. ન્યૂયોર્કમાં પેટ્રોલની કિંમત મુંબઇ કરતાં અડધી છે.

બ્લૂમબર્ગ કેલક્યુલેશન અનુસર ન્યૂયોર્કમાં સોમવારે પેટ્રોલની કિંમત 0.79 ડૉલર એટલે કે ભારતીય નાણાં પ્રમાણે 57.49 રૂપિયા પ્રતિ લીટર હતી. જ્યારે બીજી તરફ મુંબઇમાં પેટ્રોલનો ભાવ 100.47 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

બીજી તરફ અમદાવાદના ભાવ પર નજર કરીએ તો અહીંયા ભાવ 90ને પાર પહોંચી ગયો છે. વર્ષ 2013 પછી પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગભગ 6 ગણો વધી ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને મળીને રિટેલ પેટ્રોલ પર 60 ટકા અને ડીઝલ પર 54 ટકા ટેક્સ લઇ રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 32.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 31.80 પ્રતિ લીટરના દરે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે.

પાછલા વર્ષે નરેન્દ્ર મોદી સરકારે વારંવાર ફ્યુઅલ પર ટેક્સ વધાર્યો હોવાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી છે. ભારત દુનિયામાં કાચા તેલ (Crude oil)નો ત્રીજા નંબરનો સૌથી વધુ આયાત કરતો દેશ છે.

સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી લગાવ્યા બાદ રાજ્ય સરકારો ફ્યુઅલ પર વેલ્યુ એડેડ ટેક્સ વસુલે છે. રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી ઊંચા દરે વેટ વસુલવામાં આવે છે, આ પછી મધ્યપ્રદેશમાં સૌથી વધારે વેટ વસુલવામાં આવે છે.