Site icon Revoi.in

કમરતોડ મોંઘવારી, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04%ના રેકોર્ડ લેવલે

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ સામાન્ય પ્રજાની કમર તોડી નાંખી છે. પેટ્રોલ અને ડીઝલની આસમાન આંબતી કિંમતો અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04 ટકાના રેકોર્ડ લેવલ પર પહોંચ્યો છે.

વેપાર અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) મે મહિનામાં 12.04 ટકા પર પહોંચી ગયો છે. મે 2020માં મોંઘવારી દર -3.37 ટકા હતો.

હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત મોંઘવારી દરની વાત કરીએ તો તે સતત 5માં મહિને મે મહિનામાં વધ્યો છે. આ પહેલા એપ્રિલમાં આ દર 10.49 ટકા હતો. ખાસ કરીને ક્રૂડ પેટ્રોલિયમ, મિનરલ ઑઇલ્સને કારણે મોંઘવારી વધી છે. કારણ કે તેનાથી પેટ્રોલ, ડીઝલ, નેપ્થા અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ મોંઘા થયા છે.

બીજી તરફ પાવર અને ફ્યૂલ સેક્ટરની વાત કરીએ તો તેમાં પણ મે મહિના દરમિયાન મોંઘવારી દર 37.61 ટકા વધી છે જે એપ્રિલમાં 20.94 ટકા વધી હતી. તો મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં પણ મે મહિનામાં 10.83 ટકા મોંઘા થયા છે. જો કે ખાદ્ય પદાર્થોમાં મોંઘવારીથી રાહત મળી છે.

મે મહિનામાં ખાદ્ય પદાર્થો 4.31 ટકા સસ્તા થયા છે પરંતુ ડૂંગળીના ભાવમાં વધારો થયો છે. ડૂંગળીની કિંમતમાં 23.24 ટકાની તેજી જોવા મળી છે. આપને જણાવી દઇએ કે RBIએ આ મહિનાના પ્રારંભમાં વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા અને મોંઘવારીને જોતા નીતિગત વલણોમાં કોઇ ફેરફાર નહીં કરાય તેવું જણાવ્યું હતું.