Site icon Revoi.in

અમદાવાદમાં બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગો સામે ઝૂંબેશ, 16 કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરાયાં

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  બીયુ પરમિશન વગરના એકમોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી છે.  શહેરમાં બીયુ પરમિશન વગરના 16 કોમર્શિયલ અને 8 રહેણાંક એકમો સીલ કરવામાં આવ્યા છે.

શહેરના થલતેજ અને ગોતા વોર્ડમાં ફાયર સેફટીને અડચણરૂપ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવરંગપુરા, વસ્ત્રાલ, વટવા અને લાંભા વોર્ડમાં પણ કોમર્શિયલ શેડને દૂર કરવામાં આવ્યા છે. પાર્શ્વનાથ નગર, ચાંદખેડામાં, બોપલમાં બીઆરટીએસ રોડ ઉપર 15 કોમર્શિયલ અને ફતેહવાડી કેનાલ વિસ્તારમાં ૮ રહેણાંક યુનિટ સીલ કરાયા હતા. અત્યાર સુધીમાં બી.યુ.વગરના કુલ 1032 યુનિટ મ્યુનિ.એસ્ટેટ વિભાગે સીલ કર્યા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બીયુ પરમિશન વિનાના બિલ્ડિંગો અને ફાયર સેફ્ટી નહોય એવા બિલ્ડિંગોને સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં થયેલી એક રિટમાં હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય કે ફાયર સેફ્ટી ન હોય તેવી બિલ્ડિંગો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ હાઈકોર્ટની ટકોર બાદ મ્યુનિના અધિકારીઓએ બીયુ ન હોય તેવી બિલ્ડિંગોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી છે.

સૂત્રોના કહેવા મુજબ  મ્યુનિના એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ પરમિશન વગર ચાલતી આવી અનેક મિલકતોને પૈસાના જોરે ચાલવા દેતા હોવાના આક્ષેપો થઇ રહ્યા હતા. એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણ હોય છે કે બીયુ પરમિશન વગર આ કોમર્શિયલ કોમ્પલેક્સ કે બિલ્ડિંગનો વપરાશ થઈ રહ્યો છે. છતાં પણ દરેક ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવા કોમર્શિયલ કોમ્પલેક્સને ચાલવા દેતા હોય છે. હવે આવા એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે.