Site icon Revoi.in

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ, 148 રિક્ષા જપ્ત કરાઈ

Social Share

અમદાવાદઃ શહેરમાં સૌથી વધુ રિક્ષાચાલકો ટ્રાફિકનો ભંગ કરતા હોય છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી  ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. અને ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષાઓ ડિટેન કરવામાં આવી હતી. સોમવારે પણ  રિક્ષા ચાલક સામે કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા રિક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસે ઝૂંબેશ હાથ ધરી છે. ટ્રાફિક પૂર્વના DCP સફીન હસન દ્વારા મોડીફાઇડ કરેલી રિક્ષા, ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રિક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટંટ બાજી કરતા રિક્ષા ચાલકો, વગર લાયસન્સ ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવા પૂર્વમાં તમામ ટ્રાફિક પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 148 રિક્ષા ચાલકોને ડ્રાઇવ દરમિયાન ઝડપીને MV એકટ મુજબ રિક્ષાઓ ડિટેઈન કરવામાં આવી છે. માત્ર 24 કલાક જ પોલીસે પૂર્વ વિસ્તારમાંથી 148 રિક્ષા જમા કરી છે.

શહેરના પૂર્વ વિભાગના ટ્રાફિકના DCPએ વધુમાં જણાવ્યું હતું કે, રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ મળી રહી હતી. ઘણાબધા  રિક્ષાચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય છે, ઘણીબધી  રિક્ષાની નંબર પ્લેટ પણ હોતી નથી.  જેથી તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સૂચના આપીને રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. જે અંતર્ગત એક જ દિવસમાં કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ પોલીસ દ્વારા ડ્રાઇવ ચાલુ જ રાખવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.