Site icon Revoi.in

CAPFમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં ઉમેદવારો પોતાની પ્રાદેશિક ભાષામાં આપી શકશે

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) માટે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા યોજવાની મંજૂરી આપી છે. CAPFમાં સ્થાનિક યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની પહેલ પર આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

સીએપીએફની કોન્સ્ટેબસ (જનરલ ડ્યુટી)ની પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, ઉર્દુ, પંજાબી, મણિપુરી અને કોંકણી ભાષાઓમાં સેટ કરવામાં આવશે. આ નિર્ણયના પરિણામે લાખો ઉમેદવારો તેમની માતૃભાષા/પ્રાદેશિક ભાષામાં પરીક્ષામાં ભાગ લેશે અને તેમની પસંદગીની સંભાવનાઓમાં સુધારો થશે.

ગૃહ મંત્રાલય અને સ્ટાફ સિલેકશન કમિશન બહુવિધ ભારતીય ભાષાઓમાં પરીક્ષાના આયોજનને સરળ બનાવવા માટે હાલના એમઓયુના પરિશિષ્ટ પર હસ્તાક્ષર કરશે. કોન્સ્ટેબલ જીડી એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી ફ્લેગશિપ પરીક્ષાઓમાંની એક છે જે દેશભરમાંથી લાખો ઉમેદવારોને આકર્ષિત કરે છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા 01 જાન્યુઆરી, 2024 થી લેવામાં આવશે. રાજ્ય/યુટી સરકારો સ્થાનિક યુવાનોને તેમની માતૃભાષામાં પરીક્ષા આપવાની આ તકનો ઉપયોગ કરવા અને દેશની સેવા કરતી કારકિર્દી બનાવવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે વ્યાપક ઝુંબેશ શરૂ કરે તેવી અપેક્ષા છે.