Site icon Revoi.in

કચ્છ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા, લોકોએ સતર્ક રહેવું જરૂરી

Social Share

રાજકોટ-કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભુજમાં સૌથી વધારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાના કેસો નોંધાયા છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના 288, ઝેરી મેલેરિયાના 10 કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 84 અને ચિકનગુનિયાના 13 કેસ સામે આવ્યાં છે. જેને પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

બીજી તરફ વધતાં કેસો લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને ભુજમાં રોગચાળાને વકરતો અટકાવવા કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા 95 ટીમો બનાવી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 10 હજાર 457 ઘરની મુલાકાત લીધી છે. જેમાં 325 જેટલી જગ્યાએ મચ્છરના પોરા મળી આવ્યાં. જેથી દવા છંટકાવ સહિત જાગૃતિનુ કામ હાથ ધરાયુ છે.

ઉલ્લેખનીય છે કે,રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મચ્છરજન્ય રોગચાળાના કેસ નોંધવામાં આવી રહ્યા છે અને તેના કારણે લોકોએ હવે સતર્ક રહેવાની પણ જરૂર છે. દેશમાં હવે બે મોસમી વાતાવરણ ચાલી રહ્યું છે જેમાં સવારે લોકોને ઠંડીનો ચમકારો થાય છે તો બપોરે ગરમીનો અહેસાસ થાય છે. આ પ્રકારના વાતાવરણ શરીરને માફક ન આવવાના કારણે પણ શરીર બીમાર પડી શકે છે.