Site icon Revoi.in

ભૂજ વિસ્તારમાં પશુઓમાં રોગચાળો, ધાણેટીની સીમમાં 70 ઘેટાં-બકરાં મોતને ભેટ્યાં

Social Share

ભુજઃ કચ્છમાં ભૂજ તાલુકાના ધાનેટી ગામે ઘેટા-બકરામાં ભેદી રોગચાળો જોવા મળતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે.  દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ધાણેટી ગામની સીમમાં હાલ 70થી 80 જેટલા ઘેટાં બકરાના ભેદી સંક્રમણ ફેલાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 30થી 40 જેટલા ઘેટાં હજુ પણ સંક્રમિત હોવાથી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. અંદાજિત 15 દિવસથી આ વિસ્તારમાં ઘેટાં બકરામાં ભેદી રોગ ફેલાયો છે. પશુ ચિકિત્સકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. પશુ તબીબો રસીના ડોઝ પીવડાવવાનું કહી રહ્યા છે. પણ હજુ પશુ તબીબો પણ રોગ વિશે જાણી શક્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં ભૂજ તાલુકાના ધાનેટી ગામે ઘેટા-બકરામાં ભેદી રોગચાળો જોવા મળતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે.  દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ધાણેટી ગામની સીમમાં હાલ 70થી 80 જેટલા ઘેટાં બકરાના ભેદી સંક્રમણ ફેલાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યાં છે. ધાનેટી ગામના માલધારી રણછોડ ભાથી રબારીના એક સામટા ઘેટાં બકરા મૃત્યુ પામતા તેમને રૂ. 4થી 5 લાખની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. આ મુસીબતના કારણે માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ધાણેટી ગામના પશુપાલકોના જણાવ્યા મુજબ ગામથી 5 કિલોમીટર દૂર ડગાળા ગામની સિમમાં તેઓ ઘેટાં-બકરાંને ચરિયાણ માટે લઈ આવેલા. પરંતુ 5 દિવસથી અચાનક ઘેટાં-બકરામાં રોગ લાગુ પડી જતા તે ટપોટપ મરી રહ્યા છે. જ્યારે 30થી 40 ઘેટાં બકરા ખાન-પાન અને હલનચલન ના કરી શકતાં મૃત્યુ તરફ જઈ રહ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં રૂ. 4થી 5 લાખનું નુકશાન થઇ ચૂક્યું છે અને હજુ વધુ નુકશાન સહન કરવું પડી શકે છે. ઝીણા માલના આધારે અમારો આખો પરિવાર નભે છે અને એજ છીનવાઈ જતા અમારા પર આભ તૂટી પડ્યું છે. પશુ તબીબો પાસે ઘેટાં-બકરાની દવા કરાવી ચુક્યા છીએ, પરંતુ કોઈ ફરક પડ્યો હોય એવું દેખાતું નથી. તેમજ જે ઘેટાં બચી ગયા છે તેમને અલગ વાડામાં રાખ્યા છે.

પશુ ચિકિત્સકના કહેવા મુજબ હાલ આ વિસ્તારમાં છેલ્લા 15-20 દિવસથી ઘેટાં બકરામાં સંક્રમક રોગ લાગુ પડ્યો છે. જેની આગોતરી રસી મુકાવી લેવી જોઈએ અથવા ઓરલ દવા લેવડાવી જોઈએ. દવા લેવડાવ્યા બાદ તેનો બચાવ થઈ રહ્યો છે એવું અમારૂ માનવું છે. જ્યારે જે ઘેટાં-બકરા મરણ પામ્યા છે તેના કારણો જાણવા ઘેટાં બકરાના લોહીના નમૂના લઈ તેની લેબોરેટરી કરવામાં આવ્યા બાદ જાણી શકાય. પરંતુ આ વિશે માલધારી વર્ગ દ્વારા કોઈ કામગીરી કરાઈ છે કેમ તે ખબર નથી.

પશુપાલકોના કહેવા મુજબ આહીર પટ્ટીના અમુક ગામના ઝીણા માલમાં ભેદી સંક્રમણ ફેલાઈ જતા ઘેટાં બકરાના નાક અને મોઢામાંથી સતત લાળ પડી રહી છે. આગળના બંન્ને પગ જકડાઈ જતાં ચાલવાનું બંધ થઈ જાય છે અને ડાયેરીયાના કારણે અશક્ત બની અંતે મોતને ભેટી રહ્યા છે. જેના બચાવ માટે સરકારી તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે,

Exit mobile version