Site icon Revoi.in

CBIના અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટસ શૂઝમાં જોવા નહીં મળે

Social Share

દિલ્હીઃ દેશમાં ચકચારી કેસની તપાસ કરતી સીબીઆઈમાં હવે અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ પેન્ટ, ટી-શર્ટ અને સ્પોર્ટ શૂઝમાં જોવા નહીં મળે. સીબીઆઈના નવા અધ્યક્ષ સુબોધ જયસ્વાલે ચાર્જ સંભાળતા પહેલા જ પર્સનાલિટી ડેવલોપમેન્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1985 બેંચના આઈપીએસ સુબોધ જયસ્વાલને તાજેતરમાં જ સીબીઆઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. સુબોધ જયસ્વાલે લીધેલા નિર્ણય અનુસાર હવે CBIના અધિકારીઓ કે સ્ટાફ જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટ્સ બૂટમાં જોવા મળશે નહીં. દરેક અધિકારી-કર્મચારી કચેરીમાં ફોર્મલ પોશાક પહેરશે.

પુરુષ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, ‘તેઓ ફક્ત ફોર્મલ પોશાક અને સાદા બૂટ પહેરશે. તેને યોગ્ય સેવિંગ કરીને ઓફિસમાં આવવાનું રહેશે. જ્યારે મહિલા અધિકારીઓ અથવા કર્મચારીઓને ફરજ પર હોય ત્યારે ફક્ત સાડીઓ, સુટ્સ અને ફોર્મલ શર્ટ પહેરવાનો રહેશે.’ સીબીઆઈના અધિકારી-કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી જીન્સ અને ટી-શર્ટ જેવા કપડાં પહેરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, હવે CBI અધિકારીઓએ બધાએ ફોર્મલ કપડાં પહેરવા ખુબ જરૂરી છે.