Site icon Revoi.in

ગુજરાતને 12.50 લાખ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો કેન્દ્રએ મંજૂર કર્યો

Social Share

અમદાવાદઃ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતને 47 હજાર  મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતરનું આખું વેસલ ફાળવવામાં આવ્યું છે.

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના” હેઠળ ગાંધી જયંતિ-બીજી ઓક્ટોબર- 2022થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ દ્વારા એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરોનું વેચાણ શરુ કરાશે.

ઉપરાંત આગામી રવિ અને ઉનાળુ ઋતુ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 12.50 લાખ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો 2.50 લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.

ખરીફ પાકમાં યુરિયાની જરૂરિયાતને ધ્યાને લઈ તેમજ રાજ્યના ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. જેના ભાગરૂપે કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે ઇફકો કંપની દ્વારા આયાતી યુરિયા ખાતરનું 47 હજાર મેટ્રિક્ ટનનું આખેઆખું વેસલ ગુજરાતના ખેડૂતોના હિતમાં ફાળવી આપવામાં આવ્યું છે.