Site icon Revoi.in

કેન્દ્ર સરકારનો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 10નો ઘટાડો

Social Share

નવી દિલ્હી, 27 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. શુક્રવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 10 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટીને રૂ. 3 થઈ ગઈ છે, જ્યારે ડીઝલ પર તે શૂન્ય કરવામાં આવી છે.

વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ વધતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને હાલમાં પ્રતિ લિટર અંદાજે રૂ. 48.8નું નુકસાન થઈ રહ્યું છે. આ એક્સાઈઝ કાપ દ્વારા કંપનીઓ પોતાની ખોટ સરભર કરી શકશે તેવી આશા છે. બીજી તરફ, સરકારે ડીઝલના નિકાસ પર પ્રતિ લિટર રૂ. 21.5 અને એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પર રૂ. 29.5નો ટેક્સ લાદ્યો છે. વર્ષ 2022નું જૂનું જાહેરનામું રદ કરીને આયાતી વિમાન ઈંધણ પર પણ રાહત આપવામાં આવી છે.

છેલ્લા એક મહિનામાં મધ્ય પૂર્વના તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને હાલમાં તે બેરલ દીઠ 101 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આ મોંઘવારીની સીધી અસર ભારતીય બજાર પર ન પડે તે માટે સરકારે આ મોટો ટેક્સ કાપ જાહેર કર્યો છે. દરમિયાન પેટ્રોલિયમ મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ખોટા પ્રચાર અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાય.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારત પાસે હાલમાં 60 દિવસનો વાસ્તવિક સ્ટોક ઉપલબ્ધ છે. કુલ 74 દિવસ સુધી ચાલે તેટલો વ્યૂહાત્મક તેલ ભંડાર અનામત છે. યુદ્ધના આજે 27મા દિવસે પણ તમામ રિટેલ આઉટલેટ્સ પર પુરવઠો સંપૂર્ણ સુરક્ષિત અને અવિરત છે. સરકારે ખાતરી આપી છે કે, દેશમાં એલપીજી અને પેટ્રોલિયમની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચોઃ ખાડી દેશોના હોટલ માલિકોને અમેરિકી સૈનિકો મામલે ઈરાને આપ્યું અલ્ટીમેટમ

Exit mobile version