નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે ત્રણ નિવેદનો આપવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મંગળવારે દિલ્હીમાં SIAM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, પ્રદુષણ એક ગંભીર સમસ્યા છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે. મેં છેલ્લા આઠ-10 દિવસથી એક પત્ર તૈયાર કર્યો છે, જે હું તેમને વિનંતી કરવા જઈ રહ્યો છું. ભવિષ્યમાં, ડીઝલ પર ચાલતા તમામ એન્જિનો પર વધારાનો 10 ટકા GST લાદવો જોઈએ. જેથી તેનું રૂપાંતર જલ્દી થાય, નહીં તો લોકો ઝડપથી સાંભળવાના મૂડમાં નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેથી ઈલેક્ટ્રીક વાહનોની ખરીદીને લઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર ઈ-વાહનોની ખરીદી માટે સબસીડી આપે છે. એટલું જ નહીં દેશના વિવિધ શહેરોમાં અને રાજ્યોમાં સરકારી પરિવહનમાં હવે ઈ-બસ દોડતી કરવામાં આવી છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને પગલે અનેક વાહન ચાલકો પણ ઈ-વાહનો તરફ વળી રહ્યાં છે. હવે ડીઝલ કાર ઉપર 10 ટકા પ્રદુષણ ટેક્સ નાખવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા પ્રદુષણ ટેક્સ નાખવામાં આવે તો ડીઝલ કાર વધારે મોંઘી થવાની શકયતા છે.
(Photo-File)