Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડી વધવાની સંભાવના, ઉત્તર ભારતમાં હિમ વર્ષા

Social Share

અમદાવાદ: ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. નલિયા, ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત બીજા પણ ઘણા શહેરોમાં પણ 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 9.7, ડીસા 9.2 અને ભુજ 9.6 તાપમાનમાં ઠુંઠવાયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ દેશના ઉત્તર પૂર્વિય વિસ્તારોમાં સતત હિમ વર્ષાના કારણે જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે ગુજરાતમાં પણ શીત લહેર ફરી વળશે. ગુજરાતમાં પણ તમામ વિસ્તારોમાં આગામી થોડા દિવસો શીત લહેરની વકી રહેલી છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર ભારતમાં હિમાલયના પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થતી હોવાથી હજુ પણ આગામી થોડા દિવસો સુધી અમદાવાદ સહિતના ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર પૂર્વ દિશાનો પવન ફૂંકાવવાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. શનિવારે રાજ્યમાં 4.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં 5.2 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.