નવી દિલ્હીઃ દેશમાં લોકશાહીનું ઘર ગણાતા સંસદભવનમાં તાજેતરમાં જ કેટલાક વ્યક્તિઓને ઘુસીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ બનાવને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત બનાવવામાં આવી છે. સુરક્ષા ચૂક મામલે 8થી વધારે સુરક્ષા જવાનોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. દરમિયાન સમગ્ર પ્રકરણના માસ્ટર માઈન્ડ મનાતા લલિત ઝાએ દિલ્હી પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. લલિતની સાથે તેના સાગરિત મહેશ કુમાવતએ પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. જેથી પોલીસે બંનેની વિધિવત રીતે ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ આરંભી હતી. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે.
પોલીસ સમક્ષ લલિતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, પોતાની વાત તંત્ર સમક્ષ પહોંચાડવા માટે બે પ્લાન બનાવ્યાં હતા. આમ સંસદમાં ધુસવાનો પ્લાન એ ફેલ થાય તો પ્લાન બી પણ બનાવ્યો હતો. પોલીસે સમગ્ર પ્રકરણમાં મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ શિંદે, નીલમ આઝાદ અને લલિત ઝાની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુરુગ્રામમાંથી વિક્કી તથા એક વ્યક્તિ તેમજ મહેશ અને કૈલાશ નામની વ્યક્તિની અટકાયત કરવામાં આવ્યો છે. પ્લાન એ અનુસાર સંસદમાં મનોરંજ ડી અને સાગર શર્માને પ્રવેશવાનું હતું. તેમની પાસે વિઝિટર પાસ બનેલો હતો. આ કાવતરા અનુસાર સંસદની બહાર અમોલ અને નીલમ ટ્રાન્સપોર્ટ ભવન તરફથી સંસદ પાસે આવીને કલમ બોમ્બ સળગાવશે. આરોપીઓે પ્લાન એ અનુસાર સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ પ્લાન એ પ્રમાણે સંસદમાં ઘુસીને મનોરંજન અને સાગરે સ્મોલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. બંને વિઝિટર્સ ગેલેરીમાં સીધા કુદયા હતા.
આરોપીઓએ બનાવેલા પ્લાન બી અનુસાર નીલમ અને અમોલ સંસદ પાસે ના પહોંચે તો તેમની જગ્યાએ મહેશ અને કૈલાશ બીજી તરફથી સંસદની પાસે જશે અને મીડિયાના કેમેરાની સામે કલર બોમ્બ ફોડીને સુત્રોચ્ચાર કરે. જો કે, 12મી ડિસેમ્બરના રોજ રાતના મહેશ અને કૈલાશ જ્યારે ગુરુગ્રામ સ્થિત વિક્કીના ઘરે ના પહોંચ્યા તો ગમે તેમ કરીને સમગ્ર કાવતરાને અંજામ આપવાની જવાબદારી અમોલ અને નીલમને સોંપવામાં આવી હતી.
સંસદમાં ઘુસણખોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ લલિતે પોલીસથી બચવાનો પણ પ્લાન બનાવ્યો હતો. દિલ્હી નીકળ્યા બાદ તમામ આરોપીઓને રાજસ્થાનમાં છુપાવવાની જવાબદારી મહેશને સોંપવામાં આવી હતી. મહેશ શ્રમજીવી છે અને આરોપી કૈલાશનો પિતરાઈ ભાઈ છે. એટલું જ નહીં મહેશે પોતાના આઈડી મારફતે લલિત માટે એક ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવ્યો હતો. લલિત, મહેશ અને કૈલાશ ત્રણેય સતત ટીવી મારફતે સમગ્ર ઘટનાની માહિતીઓ મેળવતા હતા.