Site icon Revoi.in

મુખ્યપ્રધાન તો પાટિદાર સમાજનો જ હોવો જોઈએ, ખોડલધામમાં પાટિદાર અગ્રણીઓની બેઠકમાં થઈ ચર્ચા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે 2022માં યોજાવાની છે, ત્યારે પાટિદાર સમાજ દ્વારા મુખ્યપ્રધાન પાટિદાર સમાજનો જ હોવો જોઈએ તેવી માગ ઊઠી છે. આજે કાગવડમાં  ખોડલધામ મંદિર ખાતે લેઉવા-કડવા પાટિદાર સમાજના આગેવાનો વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ભાગ લેતાં પહેલાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સુચક અને મહત્ત્વના વિધાનો કરીને સૌને વિચારતાં કરી દીધા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કેશુભાઈ પટેલ બાદ પાટિદાર સમાજને અત્યાર સુધી યોગ્ય નેતૃત્વ મળ્યું જ નથી. બીજી બાજુ ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણીથી ‘ઉદય’ પામેલી આમ આદમી પાર્ટીના પણ વખાણ કરતાં તેમણે કહ્યું કે જે રીતે પાર્ટી કામ કરી રહી છે તેને જોતાં તેનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ લાગી રહ્યું છે. 2022માં પાટિદાર સમાજની જ કોઈ વ્યક્તિ મુખ્યપ્રધાન બને તેવું સમગ્ર સમાજ ઈચ્છી રહ્યો છે.

બીજી બાજુ આ બેઠક રાજકીય અને સામાજિક બન્ને દૃષ્ટિએ મહત્ત્વની હોવાથી તેમાં શું ચર્ચા થઈ તેના ઉપર સમગ્ર સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓની નજર મંડાયેલી છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે અત્યારે દરેક પક્ષમાં પાટિદાર સમાજની વ્યક્તિ કામ કરી રહી છે. ગુજરાતમાં અત્યારે વસતીની દૃષ્ટિએ પાટીદાર સમાજની સંખ્યા વિશાળ છે. અત્યારે વ્યવસાયથી લઈને રાજકારણમાં પાટિદાર સમાજનું પ્રભુત્વ છે અને કદાચ પાટિદાર સમાજ ટેક્સની ભરપાઈ કરવામાં પણ અવ્વલ છે.

આ બેઠકમાં પાટિદાર સમાજના અધિકારો અને સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. 2022ની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે અને મુખ્યપ્રધાન  કોણ બનશે તે સમય નક્કી કરશે પરંતુ હું એટલું ચોક્ક્સ કહીશ કે મુખ્યપ્રધાનની પસંદગી કરવા માટે સમાજની વસતીને ધ્યાન પર લેવાવી જોઈએ. તેમણે સ્પષ્ટપણે એમ પણ જણાવ્યું કે કેશુભાઈ પટેલ બાદ પાટિદાર સમાજને યોગ્ય નેતા મળ્યા નથી. અત્યારે સમાજની દરેક વ્યક્તિને એવું લાગી રહ્યું છે કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી અમને મળ્યા નથી.

આ બેઠક બોલાવવાનો હેતુ શું ? તેવા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલાં જ્યારે અમે લોકો ઉંઝા ગયા હતા ત્યારે ત્યાંના કડવા પાટિદારોને ખોડલધામ મંદિરનાં દર્શનાર્થે આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું જે આમંત્રણનો સ્વીકાર કરીને આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ આવ્યા છે અને અહીં જ સમાજને સ્પર્શતા મુદ્દાની ચર્ચા કરવામાં પણ આવશે.