Site icon Revoi.in

ચીનઃ જિનપિંગ સરકાર હવે સેનામાં આંકડાને બદલે ગુણવત્તા ઉપર ભાર આપી રહી છે

Social Share

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. આ અંતર્ગત હવે ચીની સેનામાં સંખ્યાને બદલે ગુણવત્તા પર ભાર આપવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી ચીનની સેનામાં લગભગ 46 લાખ સૈનિકો હતા, જે હવે ઘટીને 20 લાખ થઈ ગયા છે. હાલમાં જ ચીનની સેનામાં 3 લાખ સૈનિકો ઘટાડવામાં આવ્યાં છે. યુકે સ્થિત ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ અનુસાર ચીનની સેનામાં 9.65 લાખ  સૈનિકો છે. નેવીમાં સૈનિકોની સંખ્યા 2.60 લાખ છે અને ચીનની વાયુસેનામાં 3.95 લાખ જવાનો છે. આ સિવાય ચીનની સેનાની રોકેટ ફોર્સમાં 1.20 લાખ સૈનિકો અને સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સમાં 1.45 લાખ સૈનિકો છે. લગભગ દોઢ લાખ અન્ય સૈનિકો પણ સામેલ છે.

રિપોર્ટ અનુસાર, આ દાયકાના અંતમાં અથવા 2030ની શરૂઆતમાં ચીન પોતાની સેનામાં વધુ એક મોટો ઘટાડો કરી શકે છે. ચીની સેનામાં ઘણીવાર એવી ફરિયાદ હોય છે કે તેના સૈનિકો સ્પર્ધાત્મક, ટેકનિકલ કાર્યક્ષમતામાં નબળા છે અને પ્રમાણિક નથી. આ જ કારણ છે કે, ચીનની સરકાર ક્વોન્ટિટીથી ક્વોલિટી તરફ જવાનો પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત ચીની સૈનિકોના શિક્ષણનું સ્તર પણ વધારવામાં આવી રહ્યું છે. આ સાથે ચીન સરકાર પોતાના સૈનિકોના પગારમાં પણ નોંધપાત્ર વધારો કરી રહી છે.

ચીની સેનામાં સામેલ સૈનિકોની મુશ્કેલીઓ પણ ઓછી નથી. વાસ્તવમાં તેમને લગ્ન માટે છોકરીઓ મેળવવાની સમસ્યા છે. ઉપરાંત, રજાઓ ઓછી છે અને પરિવારથી અંતર પણ PLA સૈનિકો માટે સમસ્યા છે. ચીની સેનામાં ઓફિસર કોર્પ્સમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. યુએસએની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનની સેનામાં મોટા સંગઠનાત્મક ફેરફારો કરી રહ્યા છે.

શી જિનપિંગ પણ ચીનની સેના પર પોતાનો પ્રભાવ વધારી રહ્યા છે. યુએસએના રિપોર્ટ અનુસાર, ચીની સેનાનો દરેક અધિકારી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય છે. આવી સ્થિતિમાં જો સૈન્ય અધિકારીઓએ આગળ વધવું હોય તો તેમણે શી જિનપિંગ અને તેમની નીતિઓ પ્રત્યે ઈમાનદાર રહેવું પડશે. ચીની સૈન્યના ટોચના 25 અધિકારીઓ કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના સભ્યો છે. શી જિનપિંગ ચીની સેનામાં વરિષ્ઠ પદોની નિમણૂકમાં દખલ કરે છે. શી જિનપિંગ દર બે-ત્રણ વર્ષે લશ્કરી અધિકારીઓને ભૌગોલિક રીતે બદલતા રહે છે. જે અધિકારીઓ શી જિનપિંગના વિરોધીઓ સાથે સંપર્કમાં નથી રહેતા, તેઓ જ સેનામાં ટકી રહેવા સક્ષમ છે.