Site icon Revoi.in

પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે નાગરિકોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે

Social Share

ગાંધીનગર, 4 ઓગસ્ટ 2026: રાજ્યના નાગરિકો માટે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને હાલાકી વગરની બનાવવા માટે ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ નવા દિશા-નિર્દેશો હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને બિનજરૂરી હેરાન કરવામાં ન આવે.

નવા નિયમો મુજબ, પાસપોર્ટ અરજદારોએ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશને રૂબરૂ હાજર રહેવાની કોઈ જ જરૂર રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની ભારતીય નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસ (ક્રિમિનલ રેકોર્ડ) ની જ ચકાસણી કરવાની રહેશે. નિયમો સ્પષ્ટ છે કે પોલીસે અરજદારના સરનામાની અલગથી ચકાસણી કરવા કે રૂબરૂ મળીને તેમની સહી લેવાની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી.

જો કોઈ કિસ્સામાં પોલીસ અધિકારીને કોઈ બાબત શંકાસ્પદ લાગે અથવા તો ઊંડાણપૂર્વક ખરાઈ કરવાની અનિવાર્ય જરૂરિયાત જણાય, તો જ અપવાદરૂપ સંજોગોમાં રહેઠાણ સ્થળની મુલાકાત લઈ શકાશે. જો કે, આ પરિસ્થિતિમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવી શકાશે નહીં. રાજ્ય પોલીસ વડાએ તમામ અધિકારીઓને આ આદેશોનું કડકપણે પાલન કરવા તાકીદ કરી છે અને નાગરિકોને પણ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર રહેવા અપીલ કરી છે.

Exit mobile version