Site icon Revoi.in

ભરૂચ શહેરમાં સીટી બસ સેવાનો પ્રારંભ, માર્ગો ઉપર દોડશે CNG બસો

Social Share

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૨ સિટી બસની ભેટ આપી હતી. મુખ્યમંત્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રદુષણ અટકાવવા માટે સી.એન.જી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૯ રૂટ પર કુલ ૧૨ સી.એન.જી શહેરી બસ, સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત પર્યાવરણના રક્ષણ માટે ક્લાયમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વરના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લીધા હતાં. એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ દહેજનો વિકાસ પણ તેમના કાર્યકાળ દરમિયાન થયો છે. LNG  ટર્મિનલ, GNFC સહિત કેમિકલ કંપનીઓના વિકાસ દ્વારા આધુનિક શહેરનો ઓપ આપ્યો છે. આના પરિણામે ભરૂચમાં રોજગારી વૃદ્ધિ થવાથી અનેક લોકો આવીને વસ્યા છે તેમના માટે આ શહેરી બસ સેવા યાતાયાત  માધ્યમ બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ભારત સરકારના સહયોગથી આ યોજના બનાવી છે. નગરપાલિકાઓમાં આ બસ સેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર ૫૦ ટકા નાણાકીય સહયોગ પૂરો પાડી રહી છે, બીજા ૫૦ ટકા ખર્ચ નગરપાલિકાઓ પોતે વહન કરવાનો હોય છે. રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૨૨ નગરપાલિકાઓ સહિત કુલ 30 શહેરોમાં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા’ ના અભિગમમાં હવે ભરૂચ શહેરનો તેમાં ઉમેરો થયો છે.