નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: દેશના વહીવટી માળખાના કરોડરજ્જુ સમાન સિવિલ સેવકો માટે આજે ગૌરવનો દિવસ છે. ‘સિવિલ સર્વિસ ડે’ (નાગરિક સેવા દિવસ) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓએ દેશના તમામ સિવિલ સેવકોને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દિવસ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવાની તક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “સિવિલ સર્વિસ ડેના અવસરે તમામ સિવિલ સેવકોને મારી શુભેચ્છાઓ. નીતિ નિર્ધારણથી લઈને પાયાના સ્તર સુધી, સિવિલ સેવકોના પ્રયાસો અસંખ્ય લોકોના જીવનને સ્પર્શે છે અને ભારતની પ્રગતિમાં મોટું યોગદાન આપે છે. હું ઈચ્છું છું કે આપણા સિવિલ સેવકો સર્વોચ્ચ માપદંડો જાળવી રાખીને કરુણા અને નવીનતા સાથે દેશની સેવા કરતા રહે.” વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, વિકસિત ભારતનો પાયો જ રાષ્ટ્રસેવા છે. આપણે અંતિમ હરોળમાં ઉભેલા વ્યક્તિને વિકાસની મુખ્યધારા સાથે જોડીને સશક્ત અને સમૃદ્ધ ભારત બનાવવાનો સંકલ્પ દોહરાવવો જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સિવિલ સેવકોના સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વહીવટી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં અને પૂર્ણ પ્રામાણિકતા સાથે નાગરિકોની સેવા કરવામાં સિવિલ સેવકો અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું કાર્ય રાષ્ટ્રનિર્માણના પાયાને મજબૂત કરે છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, જનસેવા પ્રત્યેનું સમર્પણ અને પાયાના સ્તરે સિવિલ સેવકો દ્વારા કરવામાં આવતી મહેનત લોકોના જીવનમાં વાસ્તવિક સકારાત્મક પરિવર્તન લાવે છે. સુશાસનને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા નિર્ણાયક છે.
દર વર્ષે 21 એપ્રિલના રોજ ભારતમાં સિવિલ સર્વિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે જ 1947માં સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે વહીવટી અધિકારીઓને સંબોધિત કર્યા હતા અને તેમને ‘સ્ટીલ ફ્રેમ ઓફ ઈન્ડિયા’ ગણાવ્યા હતા.
આ પણ વાંચોઃ ભારત ભૂલ્યું નથી, પહેલગામ હુમલાની પ્રથમ વરસી પૂર્વે સેનાનો પાકિસ્તાનને સંદેશ

