1. Home
  2. ગુજરાતી
  3. ભારત ભૂલ્યું નથી, પહેલગામ હુમલાની પ્રથમ વરસી પૂર્વે સેનાનો પાકિસ્તાનને સંદેશ
ભારત ભૂલ્યું નથી, પહેલગામ હુમલાની પ્રથમ વરસી પૂર્વે સેનાનો પાકિસ્તાનને સંદેશ

ભારત ભૂલ્યું નથી, પહેલગામ હુમલાની પ્રથમ વરસી પૂર્વે સેનાનો પાકિસ્તાનને સંદેશ

0
Social Share

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: 22 એપ્રિલ 2025… આ માત્ર એક તારીખ નથી, પરંતુ એક એવી ચીસ છે જેણે સમગ્ર હિન્દુસ્તાનના હૃદયને ચીરી નાખ્યું હતું. પહેલગામની જે વાદીઓમાં પ્રકૃતિનો આસ્વાદ માણવા પ્રવાસીઓ ઉમટ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ નિર્દોષોના લોહીની નદીઓ વહાવી હતી. આવતીકાલે એટલે કે બુધવારે આ ભયાનક આતંકી હુમલાની પહેલી વરસી છે. જે પૂર્વ ભારતીય સેનાએ સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનોને કડક સંદેશ પાઠવ્યો છે.

હુમલાની વરસીના એક દિવસ પૂર્વે ભારતીય સેનાએ ટ્વીટ કરીને દેશવાસીઓને આશ્વાસન અને આતંકીઓને ચેતવણી આપી છે. સેનાએ લખ્યું કે, “જ્યારે માનવતાની સીમાઓ ઓળંગવામાં આવે છે, ત્યારે જવાબ નિર્ણાયક હોય છે. ભારત ક્યારેય ભૂલતું નથી. ન્યાય મળી ગયો છે. ભારત એકજૂથ છે.” સેનાનું આ નિવેદન એ વાતની સાક્ષી પૂરે છે કે ભારતે માત્ર આક્રમણ સહ્યું નથી, પરંતુ તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં બેસરનની સુંદર ખીણો, જેને દુનિયા ‘મિની સ્વિટ્ઝરલેન્ડ’તરીકે ઓળખે છે, તે અચાનક ચીસો અને દારૂગોળાના ધુમાડાથી ભરાઈ ગઈ હતી. આતંકીઓએ ધર્મ કે ચહેરો જોયા વગર અંધાધૂંધ ગોળીબાર કરીને 26 નિર્દોષ પ્રવાસીઓની જિંદગી છીનવી લીધી હતી. આ હુમલામાં કેટલાય પરિવારોના ચિરાગ ઓલવાઈ ગયા અને અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા. આજે પણ એ મંજર યાદ કરતા રૂંવાડા ઉભા થઈ જાય છે.

પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારત સરકારે અને સેનાએ અત્યંત ગુપ્ત અને ઘાતક ‘ઓપરેશન સિંદૂર’હાથ ધર્યું હતું. તા. 6 અને 7મી મેના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યાં હતા. ભારતીય સેનાઓએ આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યાં હતા.

પહેલગામ હુમલાની વરસી પર સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ ઘટનાએ જે ઘાવ આપ્યો હતો, તે કદાચ સમયની કોઈ પણ પટ્ટી ભરી શકશે નહીં. પરંતુ સેનાના ‘ન્યાય મળી ગયો છે’ તેવા નિવેદનથી દેશવાસીઓમાં એક સંતોષની લાગણી પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ સાઉદી અરેબિયાએ ફંડિંગ રોકવાની ધમકી આપતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, સુદાન સાથેની ડિફેન્સ ડીલ રદ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code