1. Home
  2. ગુજરાતી
  3. સાઉદી અરેબિયાએ ફંડિંગ રોકવાની ધમકી આપતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, સુદાન સાથેની ડિફેન્સ ડીલ રદ
સાઉદી અરેબિયાએ ફંડિંગ રોકવાની ધમકી આપતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, સુદાન સાથેની ડિફેન્સ ડીલ રદ

સાઉદી અરેબિયાએ ફંડિંગ રોકવાની ધમકી આપતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, સુદાન સાથેની ડિફેન્સ ડીલ રદ

0
Social Share

રિયાધ, 21 એપ્રિલ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મધ્યસ્થીના બહાને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા મથતા પાકિસ્તાનને મોટો આંતરરાષ્ટ્રીય ફટકો પડ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ નાણાકીય સહાય રોકવાની ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને સુદાન સાથેની 1.5 બિલિયન ડોલર (આશરે રૂ. 14,000 કરોડ)ની હથિયારો અને ફાઈટર જેટની મેગા ડીલ હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે આ સંરક્ષણ સોદા માટે કોઈ પણ પ્રકારની નાણાકીય મદદ નહીં કરે. પાકિસ્તાન લાંબા સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સાઉદીના ફંડિંગ વગર આટલી મોટી ડીલ પૂરી કરવી આર્મી ચીફ આસિમ મુનીર અને શાહબાઝ સરકાર માટે અશક્ય બની ગઈ છે.

ગયા વર્ષે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે પરસ્પર સંરક્ષણ કરાર થયો હતો, જેમાં એક દેશ પરના હુમલાને બંને પરનો હુમલો ગણવાની સહમતી સધાઈ હતી. જોકે, તાજેતરમાં કેટલાક પશ્ચિમી દેશોએ રિયાધને સલાહ આપી હતી કે તેઓ આફ્રિકામાં ચાલી રહેલા પ્રોક્સી વોરથી દૂર રહે. આ સલાહ બાદ સાઉદીએ પોતાની રણનીતિ બદલી છે, જેની સીધી અસર પાકિસ્તાનના ખિસ્સા પર પડી છે.

  • લીબિયાની નેશનલ આર્મી સાથેની ડીલ ઉપર પણ જોખમ

પાકિસ્તાન માટે મુશ્કેલી અહીં જ અટકતી નથી. સુદાન બાદ હવે લીબિયાની નેશનલ આર્મી સાથે થનારી 4 બિલિયન ડોલરની સંરક્ષણ ડીલ પણ જોખમમાં મુકાઈ છે. સાઉદી અરેબિયા પોતાની પ્રાદેશિક વ્યૂહરચના પર પુનર્વિચાર કરી રહ્યું હોવાથી પાકિસ્તાનનો ડિફેન્સ એક્સપોર્ટનો પ્લાન ચોપટ થતો દેખાઈ રહ્યો છે.

ગયા વર્ષે ભારત સાથે થયેલી સૈન્ય ઝડપ બાદ પાકિસ્તાનને આશા હતી કે તેમના ફાઈટર જેટ્સ અને હથિયારોની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધશે. આ ડીલ પાકિસ્તાની અર્થતંત્ર માટે ‘સંજીવની’ સામાન હતી, પરંતુ સાઉદીની પીછેહઠથી પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર મોટું કૂટનીતિક નુકસાન થયું છે. સુદાન હાલમાં ભીષણ માનવીય સંકટ અને આંતરવિગ્રહમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાંની સેના અને અર્ધલશ્કરી દળો (RSF) વચ્ચેના જંગમાં વૈશ્વિક શક્તિઓ સામસામે છે. સાઉદી અરેબિયા હવે આફ્રિકાના સંઘર્ષોમાં સીધા હથિયારો મોકલવાને બદલે કૂટનીતિક સંતુલન જાળવવા માંગે છે, જેના કારણે તેણે પાકિસ્તાન પર લગામ કસી છે.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી : તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આજે પ્રચારના પડઘમ શાંત થશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code