નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2026: સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયા બાદ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સત્ર દરમિયાન થયેલા કામકાજની વિગતો આપતા જણાવ્યું હતું કે આ સત્રમાં રાજ્યસભાની કુલ ઉત્પાદકતા ૩૯ ટકા રહી હતી, જ્યારે લોકસભાની ઉત્પાદકતા ઘટીને માત્ર 19 ટકા જ રહી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યસભામાં વિપક્ષી દળોના સાંસદો દ્વારા સતત હોબાળો મચાવવામાં આવતો હતો અને ઘણીવાર તેઓ ગૃહમાંથી બહાર પણ જતા રહ્યા હતા. જો કે, તેમ છતાં એનડીએ અને કેટલાક અન્ય વિપક્ષી દળોના સાંસદોએ ચર્ચા અને વાદ-વિવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
કિરેન રિજીજુએ માહિતી આપી હતી કે લોકસભામાં 12 વિધેયકો પસાર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર એક જ વિધેયક પર ચર્ચા થઈ શકી હતી. આ વિધેયક સાર્વજનિક પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓને અટકાવવા માટેનું ‘લોક પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન વિધેયક, 2026’ હતું. આ સંશોધન વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય પેપર લીક અને સંગઠિત નકલ સામે કાયદાકીય જોગવાઈઓને વધુ કડક બનાવવાનો છે, જે વર્ષ 2024ના વર્તમાન કાયદામાં સુધારો કરે છે. સંસદે જુલાઈના અંત ભાગમાં આ વિધેયકને મંજૂરી આપી હતી. બીજી તરફ, રાજ્યસભામાં તમામ વિધેયકો પર ચર્ચા કરવામાં આવી હતી.
વિપક્ષ ઉપર કિરેન રિજીજુના આક્ષેપ
વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કિરેન રિજીજુએ કહ્યું કે તેમના લાંબા સંસદીય અનુભવમાં તેમણે પહેલીવાર વિપક્ષને ચર્ચાથી ભાગતા જોયા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર મહત્વના મુદ્દાઓ અને વિધેયકો પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી, પરંતુ સતત હોબાળાના કારણે સંસદનો ઘણો કિંમતી સમય બરબાદ થયો છે. સરકાર આ સત્રને બે દ્રષ્ટિકોણથી જોવે છે; વિધેયકીય કામકાજની દ્રષ્ટિએ 12 વિધેયકોનું પારિત થવું એક મોટી ઉપલબ્ધિ છે, પરંતુ ચર્ચા અને વાદ-વિવાદ માટે ઉપલબ્ધ સમયનો અપેક્ષિત ઉપયોગ થઈ શક્યો નહીં.
પેપર લીક મામલે કાયદો વધુ કડક
પેપર લીક વિરોધી કાયદા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે આ નવા સંશોધનમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનાર સામે સજાની જોગવાઈઓને અત્યંત કડક બનાવવામાં આવી છે. કેટલાક અપરાધો માટે ઓછામાં ઓછી 5 વર્ષથી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલની સજા અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પેપર લીક થવાની અને પ્રશ્નપત્રોની ગેરકાયદે લેવડ-દેવડની ઘટનાઓ સામે આવતી હોવાથી, આવી ગેરરીતિઓ પર કડક લગામ કસવા માટે કાયદાકીય માળખાને વધુ મજબૂત કરવામાં આવ્યું છે.

