Homerevoinewsઅમદાવાદમાં 19થી 25 નવેમ્બર દરમિયાન ‘વર્લ્ડ હેરિટેજ વીક-2026’ની ઉજવણી

અમદાવાદમાં 19થી 25 નવેમ્બર દરમિયાન ‘વર્લ્ડ હેરિટેજ વીક-2026’ની ઉજવણી

  • ઐતિહાસિક વારસો, કલા અને સંસ્કૃતિનો સંગમ: ભદ્ર ફેસ્ટિવલ, વોટર હેરિટેજ સિરીઝ અને ‘વારસાનો ઉત્સવ’ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ, 18 નવેમ્બર, 2026: ‘World Heritage Week-2026’ ભારતના પ્રથમ UNESCO વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો ગૌરવપૂર્ણ દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરમાં આગામી તા. 19થી 25 નવેમ્બર, 2026 દરમિયાન ‘વર્લ્ડ હેરિટેજ વીક’ની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સંસ્થાઓ, કલાકારો અને હેરિટેજ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સહયોગથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઐતિહાસિક વારસા, સ્થાપત્ય, કલા, સંગીત અને લોકસંસ્કૃતિને નાગરિકો, ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વિવિધ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં અગાઉના વર્ષોમાં વર્લ્ડ હેરિટેજ વીક અંતર્ગત ઐતિહાસિક હવેલીઓ અને દરવાજાઓને રોશનીથી શણગારવા, હેરિટેજ વિષયક પ્રકાશનો, Façade Design Competition, હેરિટેજ મકાનોના સમારકામ અને TDR અંગે માર્ગદર્શન કેમ્પ, જનજાગૃતિ અભિયાન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ વૈશ્વિક ફલક પર ઝળક્યું શામળાજી ધામ, વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સમાં નોંધાયું નામ

વર્ષ 2025માં આ ઉજવણીને વધુ વ્યાપક સ્વરૂપ આપતા Guided Heritage Walks, Food Heritage Walk, નાટ્યપ્રસ્તુતિઓ, Sketching Workshops, પ્રદર્શનો, Tour Guide Training તેમજ યુવાનો માટે શહેરના 21 હેરિટેજ સ્થળોને આવરી લેતી Cycling Treasure Hunt સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, કલાકારો, હેરિટેજપ્રેમીઓ, પ્રવાસન ક્ષેત્રના પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને માર્ગદર્શન હેઠળ Crafts of Arts દ્વારા બે વિશેષ કાર્યક્રમો ‘ભદ્ર ફેસ્ટિવલ’ અને ‘વોટર હેરિટેજ સિરીઝ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત The Doorbin દ્વારા ‘વારસાનો ઉત્સવ – અમદાવાદ હેરિટેજ ઉત્સવ 2026’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા શહેરના ઐતિહાસિક સ્થળોને કલા, સંગીત, નાટ્યકલા અને પરંપરાઓ સાથે સાંકળીને નાગરિકોને અમદાવાદના સમૃદ્ધ વારસાનો જીવંત અનુભવ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ભદ્ર ફેસ્ટિવલ – 19 નવેમ્બર

વર્ષ 2014માં પ્રથમ વખત યોજાયેલા ભદ્ર ફેસ્ટિવલનું 12 વર્ષ બાદ ફરી એકવાર ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર, ભદ્ર ચોક અને ત્રણ દરવાજા એમ ચાર સ્થળોએ યોજાનારા આ ફેસ્ટિવલમાં કલા અને સંસ્કૃતિના વિવિધ સ્વરૂપોની પ્રસ્તુતિ કરવામાં આવશે.

આ ફેસ્ટિવલમાં Projection Mapping, ઐતિહાસિક સ્થાપત્યોની વિશેષ રોશની, Photography અને Art Installations, ગુજરાતી વાર્તાકથન, માતાની પછેડી આધારિત કલાત્મક રજૂઆતો, પરંપરાગત સંગીત, ભવાઈ અને સીદી ધમાલ જેવા લોકનૃત્યો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરંપરાગત નાટ્યસંગીત અને વિશેષ સંગીત કાર્યક્રમો દ્વારા ભદ્ર વિસ્તારના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવશે. આ રીતે ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં પરંપરાગત કલા અને આધુનિક રજૂઆતોનો અનોખો સમન્વય જોવા મળશે.

આ પણ વાંચોઃ PDEUમાં શા માટે ગુજરાતી પ્રાધ્યાપકોને સ્થાન આપવામાં નથી આવતું?

વોટર હેરિટેજ સિરીઝ – 25 નવેમ્બર

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે શહેરની ઐતિહાસિક જળરચનાઓ અને વાવોના વારસાને ઉજાગર કરવાના હેતુથી તા. 25 નવેમ્બરના રોજ ‘વોટર હેરિટેજ સિરીઝ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જેઠાભાઈની વાવ, અમૃતવર્ષિણી વાવ અને દાદા હરીની વાવ એમ ત્રણ ઐતિહાસિક વાવ ખાતે સંગીત, કવિતા, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમો દ્વારા અમદાવાદની પરંપરાગત જળરચનાઓ, તેમનું વિશિષ્ટ સ્થાપત્ય અને શહેરના સામાજિક તથા સાંસ્કૃતિક જીવન સાથેનો તેમનો સંબંધ નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે. ઐતિહાસિક વાવોના સ્થાપત્યના માહોલમાં કલાકારોની વિવિધ પ્રસ્તુતિઓ અને વિશેષ રોશની દ્વારા આ વારસાસ્થળોને એક અનોખા અંદાજમાં માણવાની તક મળશે.

‘વારસાનો ઉત્સવ – અમદાવાદ હેરિટેજ ઉત્સવ 2026’ – 20થી 22 નવેમ્બર

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણીને વધુ વ્યાપક બનાવવાના હેતુથી The Doorbin દ્વારા કોટ વિસ્તારના કવિ દલપતરામ ચોક પાસે ‘વારસાનો ઉત્સવ – અમદાવાદ હેરિટેજ ઉત્સવ 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘મારી પોળ, મારું અમદાવાદ, મારી વિરાસત’ની થીમ પર યોજાનારા આ ત્રણ દિવસીય ઉત્સવમાં Heritage Walks, કવિ સંમેલન, ભજન જામિંગ કોન્સર્ટ, Live Painting Workshop, બાળકો માટે પરંપરાગત રમતો તેમજ હેરિટેજ વિષયક Reel અને Photography Competition સહિતની પ્રવૃત્તિઓ યોજાશે.

આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને બાળકોને અમદાવાદના ઐતિહાસિક વિસ્તારો, પોળ સંસ્કૃતિ અને લોકપરંપરાઓ સાથે સર્જનાત્મક રીતે જોડવાનો છે.

આમ, વર્લ્ડ હેરિટેજ વીક-2026ની ઉજવણી અંતર્ગત અમદાવાદના ઐતિહાસિક સ્મારકો અને સ્થાપત્યોની સાથે શહેરની કલા, સંગીત, સાહિત્ય, લોકસંસ્કૃતિ અને પરંપરાઓને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓ અને કલાકારોના સહયોગથી હાથ ધરવામાં આવી રહેલી આ પહેલનો મુખ્ય હેતુ શહેરના સમૃદ્ધ વારસાને નાગરિકોના રોજિંદા જીવન સાથે જોડવાનો તેમજ નવી પેઢીમાં પોતાના શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અને જાગૃતિની ભાવના વિકસાવવાનો છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img