અમદાવાદ, 13 નવેમ્બર, 2026 : Accident near Nana Chiloda, people beat up drunk driver શહેર નજીક નાના ચિલોડા રોડ પર બુધવારે બપોરના ટાણે પૂરફાટ ઝડપે કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવાસવાર દંપત્તી રોડ પર પટકાયુ હતું. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કારમાં દારૂની બોટલ જોતા તેમજ કારચાલક પણ નશાની હાલતમાં જણાતા લોકો ઉશ્કેરાયા હતા. અને કારચાલકને ગાળો ભાંડી મારમાર્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારચાલક યુવકની ધરપડક કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, નાના ચિલોડા રોડ પર બપોરના સમયે પૂ ઝડપે એક વર્ના કારે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. ટક્કર વાગતા દંપતી રોડ પર પટકાયા હતા. અક્સ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન લોકોએ કારમાં તપાસ કરતા એક ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ મળી આવ્યો હતો. કારમાં દારૂની બોટલ પણ મળી આવી હતી. સ્થાનિકોએ ભેગા થઈને કારચાલકને મેથીપાક આપ્યો હતો.
આ અક્સ્માત અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતા બંને નશાની હાલતમાં હતા, જેથી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બંને રાજકોટના હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નરોડા પોલીસે કારના ડ્રાઈવર ચિરાગ ગાંગાણી અને બાજુમાં બેઠેલા ગૌતમ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.








