નવી દિલ્હી, 14 નવેમ્બર 2026: ભારતી એન્ટરપ્રાઈઝિસના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન નેટવર્કની ‘કિલ સ્વિચ’ સંપૂર્ણપણે દેશના નિયંત્રણમાં હોવી અનિવાર્ય છે. એટલે કે, જરૂર પડ્યે ભારત સરકાર પાસે આ અધિકાર હોવો જોઈએ કે તે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી શકે અથવા તેની ગતિ અને પહોંચને મર્યાદિત કરી શકે. હાલમાં સરકાર દેશમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરતા પહેલા સુરક્ષા સંબંધિત તમામ પાસાઓ અને શરતો પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
ભારતી એન્ટરપ્રાઈઝિસના 50 વર્ષ પૂરા થવાના અવસરે આપેલા એક ઇન્ટરવ્યુમાં મિત્તલે સ્પષ્ટ કર્યું હતું કે ઇન્ટરનેટ સેવાઓનું ‘કિલ સ્વિચ’ અન્ય કોઈ વિદેશી સંસ્થા કે કંપનીના હાથમાં ન હોવું જોઈએ. ભારત પાસે પોતાના અંતરિક્ષ સુરક્ષા ભવિષ્ય પર સંપૂર્ણ કાબૂ હોવો જરૂરી છે. જોકે, તેમણે આ નિવેદન આપતી વખતે પ્રત્યક્ષ રીતે કોઈ ચોક્કસ કંપનીનું નામ લીધું નહોતું, પરંતુ દેશની સુરક્ષાને સર્વોપરી ગણાવી હતી.
કિલ સ્વિચ એક એવી ટેકનિકલ વ્યવસ્થા છે, જેના માધ્યમથી કોઈપણ સેટેલાઇટ નેટવર્કને દૂરથી નિયંત્રિત કરી શકાય છે અથવા જરૂરિયાત ઊભી થવા પર તેને ત્વરિત બંધ કરી શકાય છે. આનો ઉપયોગ અલગ-અલગ સ્તરે થઈ શકે છે; જેમ કે કોઈ એક યુઝર ટર્મિનલ, કોઈ ખાસ સંવેદનશીલ ભૌગોલિક ક્ષેત્ર અથવા તો આખા દેશમાં સેટેલાઇટ નેટવર્કની સેવાઓ પર કાબૂ રાખવો. સુરક્ષા અથવા રાષ્ટ્રીય હિતના કારણોસર આ પ્રકારના નિયંત્રણની સત્તા દેશની પોતાની એજન્સીઓ પાસે હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
-
યુક્રેનનું ઉદાહરણ આપીને સમજાવી જરૂરિયાત
સાક્ષાત્કાર દરમિયાન સુનીલ ભારતી મિત્તલે યુક્રેનનું ઉદાહરણ ટાંકીને નેટવર્ક કંટ્રોલની આવશ્યકતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે યુક્રેનમાં સ્ટારલિંક ઉપરાંત હવે વનવેબનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ યુક્રેને એલોન મસ્કનની કંપની સ્પેસએક્સ પર એવો આરોપ લગાવ્યો હતો કે કનેક્ટિવિટીની ગતિ મર્યાદિત કરવાથી તેની રક્ષણાત્મક ક્ષમતાઓને અસર પહોંચી હતી. ભારત આ પ્રકારની કોઈપણ બાહ્ય અનિશ્ચિતતા અથવા નિર્ભરતાથી બચવા માંગે છે.
આ જ ઇન્ટરવ્યુમાં મિત્તલે દેશના ટેલિકોમ ક્ષેત્ર વિશે ચર્ચા કરતા પ્રતિ યુઝર સરેરાશ માસિક આવક (ARPU) વધારીને આશરે રૂ. 350 પ્રતિ માસ કરવા પર ભાર મૂક્યો છે. તેમનું કહેવું છે કે નેટવર્ક વિસ્તરણ પાછળનો વધતો ખર્ચ અને ભારે-ભરખમ મૂડીરોકાણને જોતાં હાલના ટેરિફ દરો ખૂબ ઓછા છે. જોકે, તેમણે સ્પષ્ટતા નથી કરી કે આ સુધારેલા દરો ક્યારે લાગુ કરવામાં આવશે.








