અમદાવાદ, 13 નવેમ્બર, 2026 : Sanand GIDC police arrest two persons with 14 stolen bikes જિલ્લાના સાણંદ જીઆઈડીસી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સાણંદ તાલુકાના બકરાણા ગામના નિલેશકુમાર ઉર્ફે બબુ રામુભાઈ સોલંકી અને વિરમગામ તાલુકાના વણી ગામના લાલાભાઈ બોધાભાઈને દબોચી લઈને ચોરી કરેલા 14 બાઈક કબજે કર્યા છે. બન્ને આરોપીની પૂછતાછમાં સાણંદ GIDC, સાણંદ ટાઉન, વિરમગામ રૂરલ અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈકની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જ્યારે બીજા એક બનાવમાં ચાંગોદર પોલીસે 150 કિલો ઇલેક્ટ્રિક PCB અને કોપરની ચોરી કેસમાં પરપ્રાંતી બે આરોપીને ઝડપી લીધા છે.
પ્રથમ બનાવની વિગત એવી છે, સાણંદ વિસ્તારમાં બાઈક ચોરીના બનાવો વધતા સાણંદ જીઆઈડીસી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સાણંદ તાલુકાના બકરાણા ગામના નિલેશકુમાર ઉર્ફે બબુ રામુભાઈ સોલંકી અને વિરમગામ તાલુકાના વણી ગામના લાલાભાઈ બોધાભાઈને દબોચી લીધા હતા. બન્ને આરોપીની પૂછતાછ કરતા ચોરી કરેલા 14 બાઈક પોલીસે જપ્ત કર્યા છે. આરોપીઓએ સાણંદ GIDC, સાણંદ ટાઉન, વિરમગામ રૂરલ અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈકની ચોરી કર્યાની કબુલાત કરી હતી
બીજા બનાવમાં ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં મોડાસર ગામની સીમમાં આવેલી ટેકનો ગ્રીન રીસાયક્લીંગ પ્રા.લિ. કંપનીના શેડમાંથી 8 થી 9 નવેમ્બર દરમિયાન 150 કિલો ઇલેક્ટ્રિક PCB અને કોપરની ચોરી થઈ હતી. આ અંગે 11 નવેમ્બરે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ₹ 2,10,000 ની ચોરીનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ મહોબતસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડાસર ગામના બસ સ્ટેન્ડ નજીકથી મૂળ ઉત્તરપ્રદેશના કમલેશકુમાર ભવનાથ ચેરો (ઉંમર 36) અને મૂળ રાજસ્થાનના પપ્પુ નારાયણનાથ રાવલ (ઉંમર 24) ને દબોચી લીધા હતા. ચાંગોદર પોલીસે ઝડપાયેલા બંને પરપ્રાંતીય આરોપીઓ પાસેથી કંપનીમાંથી ચોરાયેલા 150 કિલો ઇલેક્ટ્રિક PCB અને કોપર સહિત ₹ 2.10 લાખનો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે.








