મુંબઈ, 13 નવેમ્બર 2026: ઘરેલુ શેરબજારમાં સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શુક્રવારે વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. ખાસ કરીને બેંકિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં નરમાઈ રહેતા બજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આ સાથે જ બજારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી હતી. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 318.35 અંક (-0.38%) ના ઘટાડા સાથે 81,592.66 ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી 160.10 અંક (-0.63%) તૂટીને 25,139.25 ના સ્તરે પહોંચ્યો હતો. કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો 12 પૈસા નબળો પડીને 94.24 (પ્રોવિઝનલ) પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીના નબળા પ્રદર્શન વચ્ચે બજારના દિગ્ગજ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેરોમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. વ્યાપક બજારમાં વેચવાલીના દબાણને કારણે ઓટો, નાણાકીય સેવાઓ (ફાઈનાન્સિયલ સર્વિસીસ), બેંકિંગ અને રિયલ્ટી સેક્ટરના શેરોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે, આ મંદીના માહોલ વચ્ચે ફાર્મા, હેલ્થકેર અને મિડ-સ્મોલ હેલ્થકેર સેક્ટરના શેરોમાં ખરીદી જોવા મળી હતી. આ સેક્ટર્સે બજારથી વિપરીત મજબૂત વલણ દાખવતા બજારનો મોટો કડાકો અટકાવવામાં મદદ મળી હતી.








