ઇમ્ફાલ, 13 નવેમ્બર 2026: મણિપુરના ઉખરુલ જિલ્લામાં શુક્રવારે શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા બે વાહનોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ભયાનક હુમલામાં બે મહિલાઓ સહિત કુલ ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના ઇમ્ફાલ-ઉખરુલ રોડ પર આવેલા ‘ન્યૂ હેવન’ વિસ્તારમાં ઘટી હતી. કેટલાક સશસ્ત્ર ઉગ્રવાદીઓએ અચાનક બે કાર પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબારમાં બંને કારમાં સવાર બે પુરુષો અને બે મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. હુમલા બાદ બંને વાહનોની વિન્ડશિલ્ડ (આગળના કાચ) પર ગોળીઓના અસંખ્ય નિશાન જોવા મળ્યા હતા.
આ હુમલાના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે પણ કાંગપોકપી જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા ગોળીબારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બે વિરોધી જૂથો વચ્ચે થયેલી પરસ્પર અથડામણમાં એક કૂકી મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય બે પુરુષો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ગોળીબાર ગુરુવારે સવારે આશરે 11 વાગ્યે તાપહોઉ કૂકી ગામ અને સેનાપતિ જિલ્લાના કેલેંગજાંગની સરહદ પાસે થયો હતો. ખેતરમાં કામ કરી રહેલી 43 વર્ષીય ચોંગલોઈ નામની મહિલા આ ગોળીબારની ચપેટમાં આવી જવાથી મૃત્યુ પામી હતી. જ્યારે એસ. ડેવિડ ચોંગલોઈ અને લમખોચોન ચોંગલોઈ નામના બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેમની કાંગપોકપી જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્યમાં સતત બની રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે.








