શ્રીનગર, 13 નવેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નાકા પર થયેલા આતંકી હુમલા મામલે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપવા માટે અત્યંત ઘાતક એવી આર્મર-પિયર્સિંગ (બખ્તર તોડ) ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. આ ગોળીઓ એટલી શક્તિશાળી હતી કે તેણે ડ્યુટી પર તૈનાત જવાનોના બુલેટપ્રૂફ જેકેટ (બોડી આર્મર) ને પણ ભેદી નાખ્યા હતા, જેના કારણે સુરક્ષા કવચ હોવા છતાં જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રારંભિક ફોરેન્સિક અને બેલિસ્ટિક તપાસમાં પુષ્ટિ થઈ છે કે હુમલાખોરોએ આ હુમલામાં AK-47 રાઈફલોનો ઉપયોગ કર્યો હતો. આર્મર-પિયર્સિંગ બુલેટ્સ વિશેષરૂપે બુલેટપ્રૂફ જેકેટ અને સુરક્ષા વાહનોને ચીરવા માટે બનાવવામાં આવે છે, જેના આગલા ભાગમાં સ્ટીલ કે ટંગસ્ટન જેવી સખત ધાતુની કોર હોય છે. કુલગામ હુમલામાં આવી ઘાતક ગોળીઓના ઉપયોગથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે, જેને પગલે સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવી રહી છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકીઓએ હવે પોતાની રણનીતિ બદલી નાખી છે. હુમલા બાદ તરત ભાગી જવાના બદલે તેઓ લાંબા સમય સુધી સુરક્ષિત ઠિકાઓ પર છુપાઈ રહેવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે. આતંકીઓ હવે મોબાઈલ ફોનનો ઉપયોગ ઘટાડીને જીપીએસ આધારિત નેવિગેશન ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે, જે સુરક્ષા એજન્સીઓ માટે એક નવો પડકાર બની ગયો છે.
-
શું બની હતી ઘટના?
બુધવારે બપોરે સવા બે વાગ્યે શ્રીનગરથી આશરે 75 કિમી દૂર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગથી માંડ એક કિલોમીટર દૂર આવેલા નૌપોરા અખરન વિસ્તારમાં CRPF ની 46મી બટાલિયન નિયમિત ડ્યુટી પર હતી. આ દરમિયાન બે આતંકીઓએ જંગલ વિસ્તારમાંથી આવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ સોમબીર સિંહ, કોન્સ્ટેબલ રાકેશ દાસ અને કોન્સ્ટેબલ સંતોષ ચંદુ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળના વતની સંતોષ ચંદુને પેટ અને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થતાં તેમને એરલિફ્ટ કરીને શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જવાબી કાર્યવાહી કરી રહેલા આતંકીઓમાંથી એકનો મોબાઈલ ફોન ઘટનાસ્થળે જ પડી ગયો હતો, જેને સુરક્ષા એજન્સીઓએ કબ્જે કરી લીધો છે. હાલ આતંકીઓને ઝડપી પાડવા માટે સુરક્ષાબળો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.








