નવી દિલ્હી, 13 નવેમ્બર 2026: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન નથી રહ્યો, પરંતુ રોજીંદા જીવનનો દરવાજો બની ગયો છે. છતાં, દેશમાં ડિજિટલ લિંગ ભેદ હજુ પણ મોટો પડકાર છે. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય દ્વારા જાન્યુઆરીથી માર્ચ 2025 વચ્ચે કરવામાં આવેલા એક વ્યાપક સર્વેક્ષણ મુજબ, દેશના અંદાજે 35,000 પરિવારોના 1.4 લાખથી વધુ લોકો પર થયેલા અભ્યાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અહેવાલ દર્શાવે છે કે ટેકનોલોજીની પહોંચ બાબતે શહેરો અને ગ્રામીણ વિસ્તારો તેમજ સ્ત્રી-પુરુષ વચ્ચે હજુ પણ વિશાળ ખીણ છે.
15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં મોબાઈલ ફોનની માલિકીના આંકડા જોઈએ તો શહેરી પુરુષોમાં આ પ્રમાણ 90%, ગ્રામીણ પુરુષોમાં 80.7%, શહેરી મહિલાઓમાં 71.8% અને ગ્રામીણ મહિલાઓમાં માત્ર 48.4% છે. અર્થાત્, ગ્રામીણ વિસ્તારોમાં 51.6% એટલે કે અડધાથી વધુ મહિલાઓ પાસે પોતાનો અંગત મોબાઈલ ફોન નથી. જો બંને છેડાના આંકડા સરખાવીએ તો, ગ્રામીણ મહિલાઓ અને શહેરી પુરુષો વચ્ચેનો આ ફાસ્ટ 40 ટકાથી પણ વધુ છે, જે માત્ર ગ્રામીણ અને શહેરી પુરુષો વચ્ચેના તફાવત કરતા ઘણો મોટો છે.
-
યુવા વર્ગના આંકડા વધુ ચિંતાજનક
અભ્યાસમાં એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે જે લોકો પાસે ફોન છે, તેમાંથી મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે (ગ્રામીણ મહિલાઓમાં 75.6%થી લઈને શહેરી પુરુષોમાં 89.4% સુધી). એટલે કે મોંઘા ગેજેટ્સ કે મશીન હોવાની સમસ્યા નથી, પરંતુ મૂળ સમસ્યા ‘પહેલો ફોન પોતાનો હોવા’ની છે. યુવા વર્ગના આંકડા વધુ ચિંતાજનક છે કારણ કે 15 થી 24 વર્ષની વય જૂથની ગ્રામીણ યુવતીઓમાંથી 95.7% યુવતીઓએ છેલ્લા ત્રણ મહિનામાં ફોનનો ઉપયોગ કર્યો છે, છતાં તેમાંથી માત્ર 51.7% પાસે જ પોતાનો અંગત ફોન છે, જ્યારે તેની સામે ગ્રામીણ યુવકોમાં આ પ્રમાણ 74.8% છે.
સહિયારા ફોન અને અંગત ફોન વચ્ચે મોટો તફાવત રહેલો છે. સહિયારો ફોન મોટે ભાગે દેખરેખ હેઠળનો ફોન હોય છે, જ્યાં ઉધાર આપનાર વ્યક્તિ સર્ચ હિસ્ટ્રી, મેસેજ કે બેંકિંગ વિગતો જોઈ શકે છે અને રાત્રે ફોન પાછો પણ ખેંચી શકે છે. જો ફોન માત્ર શોખ કે વિલાસિતાની વસ્તુ હોત તો આ નાની અસુવિધા ગણાત, પરંતુ હવે શિષ્યવૃત્તિના ફોર્મ, પેન્શનના રેકોર્ડ્સ, સ્વાસ્થ્ય સેવાઓની અપોર્ઇન્ટમેન્ટ્સ, નોકરીની અરજીઓ અને બેંકના વ્યવહારો સ્ક્રીનની પાછળ કેદ છે. જે વ્યક્તિએ સ્ક્રીન ઉધાર લેવી પડે, તે મહત્ત્વપૂર્ણ અંતિમ તારીખો ચૂકી શકે છે, કારણ કે આજના સમયમાં મોબાઈલ ફોન માત્ર વાતચીતનું સાધન નહીં, પણ આઝાદીનો એક ટુકડો પણ છે.








