અમદાવાદ, 14 નવેમ્બર, 2026 : People are being cheated in the name of Haridwar pilgrimage. કેટલાક લોકો ધર્મના નામે પણ લોકોને છેતરવામાં અચકાતા હોતા નથી. સુરેન્દ્રનગર, દાહોદ અને મહિસાગર જિલ્લામાં લોકોને હરિદ્વારમાં ભાગવત કથાનું રસપાન અને યાત્રાની લાલચ આપીને ટૂરના આયોજકોએ આશરે 600 જેટલા લોકો પાસેથી વ્યક્તિદીઠ રૂપિયા 4200 ઉઘરાવીને પલાયન થઈ જતા હોબાળો મચી ગયો છે. કેટલાક યાત્રીઓએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને ટૂરના આયોજકો સામે પગલાં લેવાની માગ કરી છે.
રાજ્યના મહિસાગર, દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લાના 600થી વધુ વરિષ્ઠ નાગરિકો સાથે હરિદ્વાર યાત્રાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ ₹4,200 લેવામાં આવ્યા હતા. જોકે, યાત્રાના દિવસે આયોજકો ગાયબ થઈ ગયા હતા અને ઓફિસોમાં પણ તાળાં લટકેલા જોવા મળ્યા હતા. દાહોદમાં અત્યાર સુધી 75 જેટલા નાગરિકો જ્યારે મહિસાગર જિલ્લામાં 126 લોકો તેમજ સુરેન્દ્રનગરમાં 450થી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ છે. રાજ્યના અન્ય જિલ્લામાં પણ આ મુજબ છેતરપિંડી થઈ હોવાની શક્યતા છે.
આ બનાવની વિગત એવી છે. કે. ટૂર આયોજકોએ સુરેન્દ્રનગર. દાહોદ અને મહિસાગર જિલ્લામાં ઓફિસ ખોલીને હરિદ્વારમાં ભાગવત કથાનું રસપાન અને યાત્રાની પત્રિકાઓ છપાવીને ભારે પ્રચાર કર્યો હતો. આ યાત્રા માટે વ્યક્તિદીઠ રૂપિયા 4200 નક્કી કરવામાં આવ્યા હતા. વધુને વધુ લોકો આ યાત્રામાં સામેલ થાય તે માટે એજન્ટો પણ રોકવામાં આવ્યા હતા. ટૂરની પત્રિકામાં યાત્રા તા. 11/11/2026ના રોજ શરૂ થશે અને 21 તારીખે પરત ફરશે, તેમજ કથા 13 તારીખથી શરૂ થશે તેવો ઉલ્લેખ કરાયો હતો. ભાગવત કથામાં બેસનારા તમામને દરરોજ રૂ.600 લેખે તમામ રકમ પરત આપવામાં આવશે તેવી પણ લાલચ અપાઈ હતી.
મહીસાગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં તેમજ દાહોદ અને સુરેન્દ્રનગરમાં હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથા અને યાત્રા અંગે જાહેરાતનાં બોર્ડ લગાવાયા હતા. લુણાવાડા શહેરના વરધરી રોડ પર યાત્રાના આયોજન માટે ઓફિસ પણ શરૂ કરાઈ હતી. જાહેરાતના આધારે અનેક વરિષ્ઠ નાગરિકોએ નામ નોંધાવ્યાં હતાં. યાત્રીઓના જણાવ્યા પ્રમાણે, પ્રવાસ માટે દરેક પાસેથી નક્કી કરાયેલી રકમ લઈ ભાગવત કથામાં એક દિવસ બેસવા બદલ ₹600 પરત આપવાની વાત પણ કરાઈ હતી. આ પછી ઘણા વરિષ્ઠ નાગરિકોએ યાત્રાની તૈયારી શરૂ કરી હતી. હરિદ્વાર જવા માટે નક્કી કરેલા સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો ત્યાં નહોતા. ઓફિસમાં પણ કોઈ ન મળતાં યાત્રીઓએ પોતે છેતરાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જાહેરાતનાં બોર્ડ પર ડાયાજી અને અનુપસિંહનાં નામ તથા મોબાઈલ નંબર લખેલા હતા. યાત્રામાં નામ નોંધાવવા માટે વરિષ્ઠ નાગરિકો પાસેથી ફોટોગ્રાફ અને આધારકાર્ડ સહિતના અંગત દસ્તાવેજો પણ લેવાયા હતા. દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે તેવી આશંકાથી યાત્રીઓ ચિંતિત છે.








