ગાંધીનગર, 14 નવેમ્બર, 2026 : PM Modi holds dinner meeting with state ministers at Gandhinagar Lok Bhavan વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે 13 નવેમ્બરે રાત્રે 8.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ખાસ વિમાનમાં આવી પહોંચતા વડાપ્રધાનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર, તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર વડાપ્રધાનને આવકારવા માટે પૂર્વ MP હરિન પાઠક, ભરત બારોટ, ગોરધન ઝાડફિયા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર, આર.એમ.પટેલ સહિતના પૂર્વ ધારાસભ્યો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીનગર લોક ભવન પહોંચ્યા હતા.જ્યાં પણ રાજ્યપાલે મોદીનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજવામાં આવી હતી. જે રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ વડાપ્રધાન બેઠક અને ભોજન પૂર્ણ કરી લોકભવન પહોંચ્યા હતા, જ્યારે તમામ મંત્રીઓ પોતપોતાના નિવાસસ્થાને રવાના થયા હતા. બેઠકમાં ઉપસ્થિત સંગઠનના નેતાઓ અને હોદ્દેદારો પણ બેઠક પૂર્ણ થયા બાદ રવાના થયા હતા
વડાપ્રધાન મોદીનો અગાઉ 14 નવેમ્બરને શનિવારે લાભપાંચમના દિવસે બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવાનો તેમનો કાર્યક્રમ નક્કી થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યો. અંબાજીનો કાર્યક્રમ રદ થયા બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હવે ગાંધીનગર સુધી મર્યાદિત રહ્યો છે. વડાપ્રધાન મોદી આવતીકાલે સંસ્કારધામ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં PM મોદી ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં સંસ્કારધામ દ્વારા હાથ ધરાનારા વિવિધ આયોજનો અને શિક્ષણ ક્ષેત્રે થનારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, PM મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં સંસ્કારધામની શરૂઆત કરી હતી. સંસ્કારધામ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. આ બેઠકમાં સંસ્થાના આગામી આયોજન અને વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા થવાની શક્યતા છે.








