અમદાવાદઃ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની 100મી બેઠકમાં નવી વેબસાઇટનું લોકાર્પણ
અમદાવાદ, 9 જુલાઈ, 2026: અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યાના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT)ના સંયુક્ત ઉપક્રમે બુધવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC)ની ઐતિહાસિક 100મી બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે હેરિટેજ સંબંધિત નવી વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અમદાવાદના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના વધુ અસરકારક સંરક્ષણ માટેની ભાવિ વ્યૂહરચનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
હેરિટેજ કન્ઝર્વેશન કમિટીએ છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરના ઐતિહાસિક સ્થાપત્યો અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરી છે. કમિટી દ્વારા વર્લ્ડ સિટીમાં સમાવિષ્ટ કુલ 2,692 લિસ્ટેડ પ્રોપર્ટીઝ તેમજ ટેન્ટેટિવ લિસ્ટ હેઠળના (આઉટર વર્લ્ડ સિટી વિસ્તારના) 382 પ્રોપર્ટીઝના સંરક્ષણ અને જાળવણી માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. વારસાના વૈજ્ઞાનિક સંરક્ષણ માટે શહેરની હેરિટેજ મિલકતોને ગ્રેડ-I, ગ્રેડ-II A, ગ્રેડ-II B અને ગ્રેડ-III એમ ચાર વર્ગોમાં વર્ગીકૃત કરીને તેના આધારે સંરક્ષણની વ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.
એક ડગલું હેરિટેજનાં જતન અને જાળવણી તરફ
બેઠકમાં શહેરના હેરિટેજ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે અમલમાં આવેલી વિવિધ નીતિઓ અને પહેલોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં અર્બન ડિઝાઇન ગાઇડલાઇન્સ, નવા બાંધકામ માટે ડિઝાઇન ટૂલકિટ અને હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (HIA) પોલિસી જેવી મહત્વપૂર્ણ પહેલોનો સમાવેશ થાય છે. સાથે જ, નાગરિકોમાં હેરિટેજ પ્રત્યે જાગૃતિ વધારવા માટે ‘એક ડગલું હેરિટેજનાં જતન અને જાળવણી તરફ’ અભિયાન અંતર્ગત આયોજિત હેરિટેજ વોક, વર્કશોપ અને સંવાદ કાર્યક્રમોની કામગીરીને પણ સરાહવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન ‘સાંકડી શેરી રિજનરેશન’ તથા ‘AMC સેન્ટ્રલ સ્ટોર, જમાલપુર રિડેવલપમેન્ટ’ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નોન-હેરિટેજ ઇમારતોના વિકાસ માટે રજૂ થતી હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (HIA)ની અરજીઓની ઝડપી અને અસરકારક સ્ક્રુટિની માટે HCC હેઠળ માત્ર HIA સંબંધિત કામગીરી માટે વિશેષ સબ-કમિટી રચવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.
હેરિટેજ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ
હેરિટેજ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (HTDR) યોજના હેઠળ પ્રાપ્ત થયેલી સફળતાની પણ બેઠકમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 145 પ્રોપર્ટીઝને આવરી લેતા કુલ 17,519 ચોરસ મીટર વિસ્તારને આ યોજનાનો લાભ મળ્યો હોવાનું જણાવાયું હતું, જે શહેરમાં વારસાના સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો સફળ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત નવી અર્બન ડિઝાઇન ગાઇડલાઇન્સ, ડિઝાઇન ટૂલકિટ, HIA પોલિસી તથા પોળના દરવાજાઓના રિસ્ટોરેશન માટે તૈયાર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન હેરિટેજ સંરક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર પૂર્વ સભ્યો સ્વ. નિમિષ પટેલ, સ્વ. વિવેક ખડપેકર અને સ્વ. પી. કે. વાસુદેવન નાયરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
નવી સંસ્થા સ્થાપવાની દરખાસ્ત
વિશેષરૂપે બેઠકમાં દેશભરની ઐતિહાસિક અને હેરિટેજ પ્રોપર્ટીઝના સંરક્ષણ, જાળવણી અને તકનીકી માર્ગદર્શન માટે સમર્પિત એક નવી સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ) સ્થાપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે હેરિટેજ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પહેલ બની શકે છે.
100મી બેઠકના ઐતિહાસિક અવસરે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીએ અમદાવાદના નાગરિકોને શહેરના અમૂલ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સક્રિય ભાગીદાર બનવાની અપીલ કરી હતી. કમિટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર, નિષ્ણાતો અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી જ અમદાવાદની આ અનોખી વિશ્વ ધરોહરને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને જીવંત રાખી શકાશે.


