નવી દિલ્હી, 09 જુલાઈ 2026: કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે કોઈમ્બતુર ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સ્ટેન્ડિંગ કમિટી (SC-NBWL)ની 91મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL) અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેની અગાઉની બેઠકોમાં જાહેર કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી, જે વિજ્ઞાન-આધારિત વન્યજીવન સંરક્ષણ, નિર્ણાયક વન્યજીવન વસવાટોના રક્ષણ, ઇકોલોજીકલ કનેક્ટિવિટી (પરિસ્થિતિકીય જોડાણ)ને મજબૂત કરવા અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. કમિટીએ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી NBWLની 7મી બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને કેટલીક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંરક્ષણ પહેલો પર ચર્ચા-વિચારણા કરી હતી.
બેઠકને સંબોધતાં યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે વન્યજીવન સંરક્ષણ એ ભારતના પર્યાવરણીય શાસનના કેન્દ્રમાં છે અને વૈજ્ઞાનિક આયોજન, વસવાટનું જોડાણ અને અસરકારક શમનના ઉપાયો વન્યજીવન વસવાટોની અંદર અને તેની આસપાસના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પર નિર્ણય લેવામાં માર્ગદર્શન આપતા રહેવા જોઈએ. વધુમાં, મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વન્યજીવન સંરક્ષણમાં પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને, ટેકનોલોજીકલ અને સમાજશાસ્ત્રીય અભ્યાસોને સાંકળતા ઉકેલ-આધારિત નીતિગત હસ્તક્ષેપની જરૂર છે.
બેઠકમાં ચર્ચા કરાયેલા મહત્વના મુદ્દાઓમાં રાઇનો ડીએનએ ઇન્ડેક્સિંગ સિસ્ટમ પર આધારિત એક શિંગડાવાળા મોટા ગેંડા માટે લાંબા ગાળાની સંરક્ષણ વ્યૂહરચના; ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) માટે ભાવિ સંરક્ષણ વ્યૂહરચના; સ્પીસીઝ રિકવરી પ્રોગ્રામ હેઠળ પિગ્મી હોગ ના સમાવેશનો સમાવેશ થાય છે. કમિટીએ લુપ્ત થવાના આરે રહેલી પ્રજાતિઓ માટેના સંરક્ષણ કાર્યક્રમોની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી અને રાઇનોસેરોસ, સ્લોથ બેએર (રીંછ) અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંબંધિત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રકાશનો બહાર પાડ્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટીએ દેશભરમાંથી 100થી વધુ દરખાસ્તો પર વિચારણા કરી હતી જેમાં રસ્તાઓ અને પુલો, સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, કોમ્યુનિકેશન ટાવર્સ, પાવર ટ્રાન્સમિશન લાઇન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, પાઇપલાઇન, ખાણકામ, રિન્યુએબલ એનર્જી, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આવશ્યક વિકાસ કાર્યો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમાં વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972ની જોગવાઈઓ હેઠળ વાઇલ્ડલાઇફ ક્લિયરન્સની જરૂર હોય છે. આ દરખાસ્તોનું મૂલ્યાંકન તેમની ઇકોલોજીકલ અસરો, જનકલ્યાણ અને રાષ્ટ્રીય વિકાસ માટેનું મહત્વ અને વન્યજીવન અને તેમના વસવાટોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે શમનના ઉપાયોની પર્યાપ્તતાના આધારે કરવામાં આવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીએ ટકાઉ વિકાસને સરળ બનાવવાની સાથે વન્યજીવન અને વન્યજીવન વસવાટોના સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કમિટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મહત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને વન્યજીવન (સંરક્ષણ) અધિનિય, 1972 ની જોગવાઈઓ અને અન્ય લાગુ પડતાં પર્યાવરણીય સુરક્ષા ઉપાયો અનુસાર, વન્યજીવન અને તેમના વસવાટો પર પ્રતિકૂળ અસરો ઘટાડવા માટે યોગ્ય સલામતીના પગલાં સાથે લાગુ કરવા જોઈએ.
વધુ વાંચો: ઉચ્ચ શિક્ષણમાં ભાષાના અવરોધો દૂર થશે: ડિજિટલ ઇન્ડિયા BHASHINI અને ગુજરાત KCG વચ્ચે MoU


