નવી દિલ્હી, 08 ઓક્ટોબર 2026: ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર સાતમા ભારતીય પુરુષ બેટ્સમેન બન્યા છે. મંગળવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં, શ્રેયસ અય્યરે વેસ્ટ ઈન્ડિઝ સામે 43 બોલમાં 102 રનની અણનમ અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.
પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 19.1 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમ માટે કેપ્ટન શાઈ હોપ (52 રન) અને શેરફેન રધરફોર્ડે (56 રન) અડધી સદી ફટકારી હતી. બીજી તરફ, ભારત માટે ડેબ્યૂ કરનાર નમન ધીરે ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ માત્ર 14.4 ઓવરમાં 172 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત માટે કેપ્ટન શ્રેયસ અય્યરે 43 બોલમાં 102 રનની ઇનિંગ્સ રમી, જેમાં તેમણે 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. બીજી તરફ, ઈશાન કિશન 27 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો. અગાઉ, સંજુ સેમસન 9 બોલમાં 11 રન અને અભિષેક શર્મા 10 બોલમાં 21 રન બનાવીને આઉટ થયા હતા.
શ્રેયસ અય્યર ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર સાતમા ભારતીય બન્યા
શ્રેયસ અય્યર હવે ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વન-ડે (ODI) અને T20 ઇન્ટરનેશનલમાં સદી ફટકારનાર સાતમા ભારતીય પુરુષ ક્રિકેટર બની ગયા છે. તેમના પહેલાં સુરેશ રૈના, રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે ભારત માટે આ સિદ્ધિ હાંસલ કરી હતી. સુરેશ રૈના આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હતા; તેઓ T20 ઇન્ટરનેશનલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય પણ હતા.
શ્રેયસ અય્યરે પણ આ ૩ મોટા રેકોર્ડ બનાવ્યા
કેપ્ટન તરીકે T20 સદી – શ્રેયસ અય્યર ટીમની કેપ્ટનશીપ સંભાળતી વખતે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સદી ફટકારનાર માત્ર ત્રીજા ભારતીય ખેલાડી બન્યા છે. તેમના પહેલાં રોહિત શર્મા (3 સદી) અને સૂર્યકુમાર યાદવ (એક સદી) આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
T20માં બીજી સૌથી ઝડપી સદી – શ્રેયસ અય્યરે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે 42 બોલમાં 100 રનનો આંકડો પાર કર્યો હતો. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન તરીકે સૌથી ઝડપી સદી રોહિત શર્માએ 35 બોલમાં ફટકારી હતી.
T20માં લક્ષ્યનો પીછો કરતી વખતે સદી: T20માં વેસ્ટ ઈન્ડિઝ સામે લક્ષ્યનો પીછો કરતી વખતે માત્ર ચાર ક્રિકેટરોએ ટીમ ઈન્ડિયા માટે સદી ફટકારી છે. શ્રેયસ અય્યર પહેલાં, કે.એલ. રાહુલે બે વાર આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે એક-એક વાર આવું કર્યું છે.


