Homeગુજરાતીગુજરાતજામનગર-અમૃતસર ભારતમાલા હાઈવે પર પાટણ નજીક એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ

જામનગર-અમૃતસર ભારતમાલા હાઈવે પર પાટણ નજીક એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ

અમદાવાદ, 25 નવેમ્બર,2026 : Successful landing of aircraft near Patan on Jamnagar-Amritsar highway જામનગર-અમૃતસર ભારતમાલા હાઈવે પર પાટણ જિલ્લાના બકુત્રા ટોલ પ્લાઝા નજીક ભારતિય સેનાના ચાર એરક્રાફ્ટનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના આ પ્રદર્શનમાં કટોકટીના સંજોગોમાં નેશનલ હાઈવેનો વૈકલ્પિક રનવે તરીકે ઉપયોગ કરી શકાય કે કેમ તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના ચારેય એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ થતાં સેનાનો આ પ્રયોગ સફળ રહ્યો હતો. ભવિષ્યમાં યુદ્ધ કે અન્ય કટોકટીની સ્થિતિમાં હાઈવેનો ઇમરજન્સી રનવે તરીકે ઉપયોગ કરી શકાશે.

આ સીમાચિહ્નરૂપ કામગીરીએ અવિરત નાગરિક-લશ્કરી સમન્વય, ઝીણવટભર્યું આયોજન અને મજબૂત માળખાગત સજ્જતાને ઉજાગર કરી હતી. ભારતીય સેનાના વિમાનચાલકો, રાજ્ય પોલીસ અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને કામ કરતા, NHAIની તકનીકી અને ઘટના વ્યવસ્થાપન ટીમોએ સુનિશ્ચિત કર્યું હતું કે NH-754K નો પસંદ કરાયેલ પટ્ટો હળવા વિમાનોની કામગીરી માટેની તમામ સપાટી, ભૌમિતિક અને સલામતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

ભારતીય સેનાના ઉપક્રમે આ સાહસિક અભિયાનનો પ્રારંભ ગત 14 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના મઉ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અભિયાનની ટીમ વડોદરા, કેવડિયા, ભાવનગર, દીવ, કેશોદ, જામનગર, પોરબંદર અને મુન્દ્રા સહિત ગુજરાતના વિવિધ આંતરિક તથા દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લઈને ભુજ પહોંચી હતી. અભિયાન દરમિયાન 15 નવેમ્બરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરથી ફ્લાઈંગ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  

 વાયુસેનાના આ અભિયાનના ભાગરૂપે 21 નવેમ્બરના રોજ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને પાવર્ડ હેંગ ગ્લાઇડર્સની ફોર્મેશન દ્વારા જામનગરથી ઉડાન ભરવામાં આવી હતી. આ ફોર્મેશને ગલ્ફ ઓફ કચ્છ ઉપરથી આશરે 48 કિલોમીટરનું દરિયાઈ અંતર પાર કરીને મુન્દ્રા ખાતે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. આ પ્રયોગ દ્વારા દરિયાઈ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓમાં એરક્રાફ્ટની કાર્યક્ષમતા દર્શાવવામાં આવી હતી.  આ અંગે લેફ્ટનન્ટ કર્નલ બરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ અભિયાનના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો હતા. જેમાં રણ, કચ્છ, દરિયાકાંઠાના વિસ્તારો અને પહાડી પ્રદેશો જેવી વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓમાં એરક્રાફ્ટની કાર્યક્ષમતા ચકાસવી, દેશમાં એડવેન્ચર એરો સ્પોર્ટ્સ અંગે જાગૃતિ ફેલાવવી અને ભારતીય સેનાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સેનામાં જોડાવા માટે પ્રેરિત કરવાનો સમાવેશ થતો હતો. સમગ્ર અભિયાન લેફ્ટનન્ટ કર્નલ બરેન્દ્રસિંહના નેતૃત્વમાં યોજાયું હતું, જેમાં કર્નલ એમ.એસ. ચાવલા સહિત ભારતીય સેનાના અધિકારીઓ, જે.સી.ઓ. અને જવાનો જોડાયા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img