સુરત, 24 નવેમેબર, 2026 : 6 members of a working family in Maharashtra thrown into canal, 3 dead મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ ગામનો શ્રમજીવી પરિવાર સુરતના બાલડોલી તાલુકામાં મજુરીકામ માટે કારમાં આવી રહ્યો હતો. ત્યારે બારડોલીના ઉવા ગામ નજીક પાછળ પૂરફાટ ઝડપે આવેલી કારે ઓવરટેક કરીને શ્રમજીવીની કારને અટકાવી હતી. ચાર અજાણ્યા શખસોએ પરિવારના સભ્યોને અલગ-અલગ કારમાં બેસાડીને શ્રમજીવી પરિવારના 6 સભ્યોને ઉકાઈ કેનાલમાં ફેંકી દીધા હતા. આ ઘટનામાં શ્રમજીવી પરિવારના પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 13 વર્ષીય કિશોરનો પાઇપના સહારે જીવ બચ્યો હતો. પરિવારનાં અન્ય બે બાળકો હજુ લાપતા છે. આ ઘટનામાં પરિવારની મહારાષ્ટ્રમાં રહેતી પુખ્ત વયની પુત્રીની ફરિયાદના આધારે બારડોલી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. અને ચારેય આરોપીને પકડવા જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શ્રમજીવી પરિવાર મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હતો. પરિવારના સભ્યો ગત 21 નવેમ્બરે સુરતના બારડોલી તાલુકામાં મજૂરીકામ માટે કારમાં આવી રહ્યા હતા. દરમિયાન બારડોલીના ઉવા ગામ નજીક પહોંચતાં અન્ય એક કારમાં આવેલા ચાર શખ્સોએ તેમની કારને આંતરી હતી. પોલીસને મળેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ પરિવારના પતિ-પત્ની નીતિન પાટીલ, સવિતા પાટીલ અને તેમના બાળક પ્રથમેશ પાટીલને એક કારમાં બેસાડ્યાં હતાં, જ્યારે નીતિનના બીજા પુત્ર કરણ પાટીલ અને નીતિનના દોહિત્ર એવા બે બાળકો સ્વીટી અને હરીશ એમ 3 બાળકોને બીજી કારમાં બેસાડ્યાં હતાં. ત્યારબાદ પરિવારના 6 સભ્યોને ઉકાઈ કેનાલમાં ફેંકી દીધા હતા. આ ઘટનામાં નીતિન પાટીલ, સવિતા પાટીલ અને નીતિનની દોહિત્રી સ્વીટીના મોત થયા હતા. ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે નીતિનનો 2 વર્ષનો પુત્ર પ્રથમેશ અને દોહિત્ર હરીશ લાપતા બન્યા છે. જ્યારે નીતિનનો 13 વર્ષનો પુત્ર કેનાલમાં પાઈપના સહારે જીવ બચાવવામાં સફળ રહ્યો છે.પાઇપના સહારે નહેરમાંથી બહાર નીકળ્યા બાદ કિશોર નજીકની હોટેલ સુધી પહોંચ્યો હતો અને ત્યાં પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ નહેરમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી એક પુરુષ, એક મહિલા અને એક યુવતી સહિત ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારજનોએ મૃતદેહોની ઓળખ કરતાં પુરુષની ઓળખ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ અને મહિલાની ઓળખ કવિતા પાટીલ તરીકે થઈ હતી. કવિતા પાટીલના પ્રથમ પતિનું અવસાન થયા બાદ તેઓ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ સાથે રહેતાં હતાં. જોકે, પરિવારનાં અન્ય બે બાળકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. પોલીસ અને ફાયર વિભાગની ટીમો તેમની શોધખોળ કરી રહી છે.








