જાકાર્તા, 22 નવેમ્બર 2026: ઇન્ડોનેશિયાના બાન્ટેન પ્રાંતમાં આવેલી એક કેન્ડી ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 36 કર્મચારીઓ ગુમ છે.
નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ જણાવ્યું છે કે બચાવ ટુકડીઓ ગુમ થયેલા 36 કર્મચારીઓની શોધખોળ કરી રહી છે. આગ લાગ્યાના 12 કલાકથી વધુ સમય વીતી ગયા પછી પણ, અગ્નિશામકો હજુ પણ આગને ઓલવવા અને ‘કૂલિંગ ઓપરેશન’ હાથ ધરવામાં વ્યસ્ત છે.
બચાવ ટુકડીઓ ક્ષતિગ્રસ્ત ઈમારતની અંદર તેમની શોધખોળ કરી રહી છે. 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 4 લોકો ઘાયલ છે.
ઇન્ડોનેશિયામાં એક કેન્ડી ફેક્ટરીમાં આગ લાગી
જકાર્તા નજીક સેરાંગ જિલ્લામાં આવેલી ‘PT Fonusa Agung Mulia’ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ફેક્ટરી ‘Milkita’ બ્રાન્ડની દૂધ આધારિત કેન્ડી અને નાસ્તાનું ઉત્પાદન કરે છે.
બાન્ટેન સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના અધિકારી રિઝકી દ્વિયંતોએ જણાવ્યું, “કેટલાક સ્થળોએ હજુ પણ આગ સળગી રહી છે. અગ્નિશામકો આગને ઓલવવા અને ઠંડક લાવવાની કામગીરી (કૂલિંગ ઓપરેશન્સ) હાથ ધરવા માટે કામ કરી રહ્યા છે.”
દ્વિયાન્તોએ જણાવ્યું હતું કે સેરાંગ રીજન્સી અને બાન્ટેન પ્રાંતના અગ્નિશામકો ફેક્ટરીના વિવિધ ભાગોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહ્યા છે. બચાવ ટુકડીઓ ફેક્ટરીના વિવિધ વિભાગોમાં ફસાયેલા કર્મચારીઓની શોધખોળ કરી રહી છે. ઇન્ડોનેશિયન રેડ ક્રોસ આ કામગીરીમાં સ્થાનિક અગ્નિશામકોને મદદ કરી રહ્યું છે.
36 લોકો હજુ પણ ગુમ
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જ્યારે આગ લાગી ત્યારે ગુમ થયેલા તમામ 36 કર્મચારીઓ ફેક્ટરીની અંદર હતા કે કેમ, તે અંગે અધિકારીઓએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. જોકે, આ ઘટનામાં બચી ગયેલા લોકોનું કહેવું છે કે આગ ત્રીજા માળ પર, એક કૂલિંગ યુનિટની નજીક શરૂ થઈ હતી.
આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ત્રણ માળની એક ફેક્ટરી આગની જ્વાળાઓમાં લપેટાયેલી અને આકાશમાં ઘટ્ટ કાળો ધુમાડો ઊંચે જતો જોઈ શકાય છે. ઘટના બાદ લેવામાં આવેલી તસવીરોમાં ધાતુના વળી ગયેલા ટુકડા, બળી ગયેલું છાપરું અને ક્ષતિગ્રસ્ત ઈમારતના માળ પર વિખરાયેલો કાટમાળ જોવા મળે છે.
વધુ વાંચો: રાજસ્થાનના કોટામાં ભયાનક અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં એક જ પરિવારના 9નાં મોત








