અમદાવાદ, 22 નવેમ્બર, 2026 – Vibrant PACE 2.0 Meet ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા તેની CSR સમિતિના માધ્યમથી શનિવાર, તા. 21 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદ સ્થિત GCCIના પરિસરમાં “Vibrant PACE 2.0 – Platform for Aligning CSR Excellence”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ કોર્પોરેટ સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ (NGOs), ટ્રસ્ટો અને CSR સાથે સંકળાયેલા હિતધારકોને એક જ મંચ પર લાવી અર્થપૂર્ણ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો, જ્ઞાનની આપ-લેને સુગમ બનાવવાનો અને અસરકારક CSR પહેલોને પ્રોત્સાહિત કરવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત શ્રી હિતેન વસંત, ઉપપ્રમુખ, GCCI દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. તેમણે કંપની અધિનિયમ, 2013 હેઠળ કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ને ફરજિયાત બનાવવામાં ભારતની અગ્રણી ભૂમિકા તથા વર્ષો દરમિયાન CSR યોગદાનમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે CSR માત્ર કાયદાકીય જોગવાઈઓનું પાલન અને નાણાકીય દાન પૂરતું મર્યાદિત ન રહેતાં રાષ્ટ્રનિર્માણ અને સામાજિક સશક્તિકરણનું એક અર્થપૂર્ણ માધ્યમ બનવું જોઈએ.
આ પણ વાંચોઃ PDEUમાં શા માટે ગુજરાતી પ્રાધ્યાપકોને સ્થાન આપવામાં નથી આવતું?
શ્રી અપૂર્વ ઠાકર્શી, ચેરમેન, CSR સમિતિ, GCCI દ્વારા CSR યોગદાનકર્તાઓને વિશ્વસનીય અમલીકરણ કરતી સંસ્થાઓ સાથે જોડવાના Vibrant PACEના વિઝન અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કોર્પોરેટ સામાજિક જવાબદારીના મહત્ત્વ તથા ટકાઉ અને જરૂરિયાત આધારિત વિકાસલક્ષી પહેલો દ્વારા સમાજ પર સકારાત્મક અસર ઊભી કરવાની તેની ક્ષમતા અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.
ICECD ડિરેક્ટર શ્રીમતી શીતલ શાહ દ્વારા “From Welfare to Sustainable Development – Building Capabilities, Creating Livelihoods, Transforming Communities” વિષય પર મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે છૂટક અને અલગ-અલગ કલ્યાણકારી પ્રવૃત્તિઓથી આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકતાં આરોગ્યસંભાળ, શિક્ષણ, આજીવિકા, લિંગ સમાનતા અને આર્થિક સુરક્ષાને આવરી લેતી સંકલિત વિકાસલક્ષી પહેલોના મહત્ત્વ અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે CSR પહેલોમાં ક્ષમતા નિર્માણ, લાભાર્થીઓને બજારની તકો સાથે જોડવા, પરિણામોનું મૂલ્યાંકન કરવા તેમજ લાંબા ગાળાની સામુદાયિક માલિકીભાવના અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કોર્પોરેટ સંસ્થાઓ, NGOs, સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાયો વચ્ચે વ્યાવસાયિક કુશળતા તથા સંકલિત ભાગીદારીના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
કાર્યક્રમના એક મહત્ત્વપૂર્ણ ભાગરૂપે લગભગ 20 સહભાગી NGOs અને ટ્રસ્ટો દ્વારા પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી, જેમાં તેમને પોતાની પહેલો, ચાલુ પ્રોજેક્ટ્સ અને CSR સહયોગ માટેની સંભવિત તકો રજૂ કરવાની તક મળી હતી. આ પ્રસ્તુતિઓ દ્વારા અમલીકરણ કરતી સંસ્થાઓ અને કોર્પોરેટ પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ તથા વિચારોની આપ-લેને પ્રોત્સાહન મળ્યું હતું, જેના પરિણામે અર્થપૂર્ણ ભાગીદારી અને સહયોગી સામાજિક પ્રભાવ ઊભો કરવા માટે નવી તકોનું નિર્માણ થયું હતું.
કાર્યક્રમનો સમાપન સંવાદાત્મક પ્રશ્નોત્તરી સત્ર સાથે થયો હતો. ત્યારબાદ શ્રીમતી જાનકી વસંત, કો-ચેરમેન, CSR સમિતિ, GCCI દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
Vibrant PACEના માધ્યમથી GCCIનો હેતુ એક એવું સહયોગી માળખું ઊભું કરવાનો છે, જે કોર્પોરેટ સંસ્થાઓનાં સંસાધનોને સમુદાયની વાસ્તવિક જરૂરિયાતો સાથે સાંકળે, CSR યોગદાનકર્તાઓ અને અમલીકરણ કરતી સંસ્થાઓ વચ્ચે ભાગીદારીને સુગમ બનાવે તથા ટકાઉ અને માપી શકાય તેવી સામાજિક અસરને પ્રોત્સાહન આપે.








