અમદાવાદ, 21 નવેમ્બર. 2026 : Cold snap as minimum temperature drops in Gujarat કારતક મહિનો અડધો વિત્યા બાદ હવે ધીમી ગતિએ ઠંડીનું આગમન થયુ છે. મોડી રાતથી વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5 ડિગ્રી સુધી ઘટાડો થયો છે. સમગ્ર રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યાં પારો સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચો રહ્યો છે. ત્યારબાદ કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી વઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં શુન્ય ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ ઠંડીની મોજ માણવા ઉમટી રહ્યા છે.
ગુજરાતમાં ધીમા પગલે ઠંડીનું આગમન થયુ છે. ખાસ કરીને શહેરી વિસ્તારો કરતા ગામડાઓમાં ઠંડી વધુ અનુભવાઈ રહી છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીએ લોકોને ધ્રજાવી દીધા છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજકોટમાં 13.2 ડિગ્રી (સામાન્ય કરતાં 4.7 ડિગ્રી નીચું), વડોદરામાં 13.4 ડિગ્રી (સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું) અને પોરબંદરમાં 14 ડિગ્રી (સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 16 ડિગ્રી (સામાન્ય કરતાં 0.7 ડિગ્રી નીચું) અને સુરતમાં 16.6 ડિગ્રી (સામાન્ય કરતાં 2.9 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન નોંધાતા શહેરીજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસ તાપમાન 7 ડિગ્રી રહ્યા બાદ શુક્રવારે 2 ડિગ્રીના ઘટાડા સાથે તે 5 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ રાત્રિ દરમિયાન માઉન્ટ આબુનું તાપમાન શૂન્ય ડિગ્રી પર પહોંચી ગયું છે. માઉન્ટ આબુમાં વહેલી સવારે ઠંડીના કારણે તાપમાન ગગડી જતું હોય, પરંતુ સૂરજ નીકળતા જ પ્રવાસીઓ નકી તળાવ તરફ ઉમટી પડે છે. ઠંડીની મોજ માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
માઉન્ટ આબુમાં હાલ દીપાવલી બમ્પર સીઝન મહોત્સવ ચાલી રહ્યો હોવાથી પ્રવાસીઓ આ ઠંડીનો સતત આનંદ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ કડકડતી ઠંડીમાં પણ માઉન્ટ આબુ આવી રહ્યા છે, કારણ કે અન્ય શહેરોમાં હજુ પણ તાપમાન વધારે છે. એવામાં માઉન્ટ આબુમાં તેમના ખાનપાન અને સ્થાનિક વ્યંજનોની મજા બેગણી થઈ જાય છે. ગુજરાતથી આવેલા પ્રવાસીઓ માઉન્ટ આબુની ઠંડીનો આનંદ માણી રહ્યા છે.








