- AI અને ડિજિટલ યુગમાં પણ અકબંધ છે પુસ્તકોનો જાદુ
ગાંધીનગર, 21 નવેમ્બર, 2026 – ‘National Library Week’ આજના ઝડપથી વિસ્તરતા ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં પણ પુસ્તકો અને પુસ્તકાલયોની પ્રાસંગિકતા અકબંધ છે, તેની પ્રતીતિ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જોવા મળી હતી. જ્ઞાન અને સાક્ષરતામાં પુસ્તકાલયોનું મહત્ત્વ ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે GBU લાઇબ્રેરી અને રીડર્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી, જેનું ભવ્ય સમાપન ‘પુસ્તક મેળો-૨૦૨૬’ સાથે થયું હતું.
આ જ્ઞાનોત્સવનું ઉદ્ઘાટન ઇટાલીના CNR-IRSA ના રિસર્ચ ડિરેક્ટર ડૉ. સિમોના રોસેટી અને રોમ, ઇટાલીના CNR-વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચ ફેલો સુશ્રી જ્યોર્જિયા ડેલીની ગરિમામય ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રસંગે GBU ના રજિસ્ટ્રાર ડૉ. જે. સી. લીલાણી, ડિરેક્ટર પ્રો. રાકેશ રાવલ, ડીન ઓફ રિસર્ચ પ્રો. સુધીર પ્રતાપ સિંહ તેમજ યુનિવર્સિટી લાઇબ્રેરિયન ડૉ. મહેશ આર. સોલંકી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ મતદાર યાદીમાં નામ સામેલ ન હોય તેવા મતદારો ફોર્મ-૬ ભરીને નામ દાખલ કરાવી શકશે
પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓ, PhD સંશોધકો, ફેકલ્ટી સભ્યો, વહીવટી સ્ટાફ તેમજ બાળકોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રદર્શનમાં સામેલ આઠ વિક્રેતાઓએ એક જ છત નીચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાહિત્યિક અને બાળસાહિત્યના હજારો પુસ્તકોનો વૈવિધ્યસભર ખજાનો રજૂ કર્યો હતો. મેળામાં બાળકો માટે ખાસ વિભાગો, રોચક સ્ટેજ પ્રવૃત્તિઓ અને GBU લાઇબ્રેરીની વિવિધ સેવાઓની ઝાંખી પણ પ્રદર્શિત કરાઈ હતી, જેમાં પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ તમામ મુલાકાતીઓ માટે આકર્ષણનું વિશેષ કેન્દ્ર બની રહી હતી.
આ કાર્યક્રમમાં IIT ગાંધીનગર, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), NIPER અમદાવાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ (IAR) સહિતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના લાઇબ્રેરી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ અવસરે શૈક્ષણિક સદભાવના અને સંસ્થાઓ વચ્ચે જ્ઞાનના આદાનપ્રદાનના પ્રતીક રૂપે IIT ગાંધીનગર દ્વારા GBU લાઇબ્રેરીને ‘ધ ઇન્ડિયન હેરિટેજ સિરીઝ’ નો પુસ્તક સંગ્રહ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં ધર્માંતર અને ગુજરાતીઓ સાથે ભેદભાવના ગંભીર આક્ષેપ
ડૉ. અર્ચના કુમારીના માર્ગદર્શન હેઠળ તેમજ GBU રીડર્સ ક્લબના સક્રિય સ્વયંસેવકો અર્પિતા, સ્વાતિ, અનુષ્કા, સૌમ્યા અને અન્યોના સહયોગથી વિવિધ સાહિત્યિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બુકમાર્ક અને બુક-કવર ડિઝાઇન, મીમ ચેલેન્જ, સ્ટોરીટેલિંગ, ચેઇન સ્ટોરીટેલિંગ, ‘વ્હોટ ઇફ’ એક્ટિવિટી, બુક રિવ્યુ અને કાવ્ય પઠન જેવી પ્રવૃત્તિઓએ વાચકોને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરવા માટે એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
સપ્તાહભર ચાલેલી આ ઉજવણી અને ‘પુસ્તક મેળો-૨૦૨૬’ દ્વારા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીએ તેના શૈક્ષણિક સમુદાયમાં વાંચન અને સંશોધન સંસ્કૃતિને વધુ સુદૃઢ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, અને સાબિત કર્યું હતું કે પુસ્તકાલયો પરંપરાગત વાંચન અને આધુનિક શિક્ષણને જોડતા જ્ઞાનના જીવંત કેન્દ્રો છે.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








