Homeગુજરાતીગુજરાતધરતી અને પ્રકૃતિ-પયારવણનું સંવર્ધન કરવું એ ઈશ્વરની સૌથી શ્રેષ્ઠ પૂજા: રાજ્યપાલ

ધરતી અને પ્રકૃતિ-પયારવણનું સંવર્ધન કરવું એ ઈશ્વરની સૌથી શ્રેષ્ઠ પૂજા: રાજ્યપાલ

નડિયાદ, 21 નવેમ્બર. 2026 : Natural Agriculture Seminar ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના પ્રવાસે આવેલ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોગીફાર્મ, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં, ખેડા જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતીના વિભિન્ન લાભથી માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેના સ્પષ્ટ ભેદ રજૂ કરીને કઈ રીતે પ્રાકૃતિક ખેતી વધુ લાભદાયી અને સ્વાસ્થપ્રદ છે તેની સવિસ્તૃત સમજણ ખેડૂતોને આપી હતી. તેમણે હરીત ક્રાંતિના સમયથી આજ દિન સુધી જમીનમાં થયેલ ઓર્ગેનિક કાર્બનના પ્રમાણના ઘટાડાની વાત કરી હતી. આજે મહદઅંશે જમીનમાં રહેલા ૦.૫ % ઓર્ગેનિક કાર્બનને તેમણે ચિંતાજનક ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે રાસાયણિક ખેતીમાં નાઈટ્રોજનની વધુ પડતી જરૂરીયાત જમીનમાં રહેલા અળસિયા અને સુક્ષ્મજીવાણુંઓ માટે પ્રાણધાતક સાબિત થાય છે, જેનાથી જમીન દિન પ્રતિદિન બંજર બનતી જાય છે.

રાજ્યપાલએ તેમના હરીયાણા સ્થિત ગુરુકુળ કુરુક્ષેત્ર પ્રાકૃતિક ફાર્મના અનુભવો પ્રકટ કરી પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જમીનની ગુણવત્તા અને ખેત ઉત્પાદનમાં આવેલ અભૂતપુર્વ સકારાત્મક પરીવર્તનની વાત જણાવી હતી.

ખેડા-આણંદના ચરોતર તરીકે સુવિખ્યાત વિસ્તારમાં આજે ભૂમિગત જળમાં થતા ઝડપી ઘટાડા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે ખેતીમાં બેફામ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન, પાણી, હવા પ્રદૂષિત બની છે અને સમગ્ર માનવ સ્વાસ્થ્ય માટે જોખમ ઉભુ થયુ છે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે આજે વિશ્વ સમક્ષ પ્રસ્તુત જળવાયુ સંકટનો સામનો કરવો પ્રત્યેક દેશ માટે જટિલ બન્યુ છે. ત્યારે ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીથી ખેડુતોની સાથે સાથે સમગ્ર દેશનું અર્થતંત્ર મજબુત અને સમૃદ્ધ બનશે. રાજ્યપાલએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સફળ બનાવવા ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ખેડુતોના સહકારની અપીલ કરી હતી.

રાજ્યપાલએ ખેડા જિલ્લાના ખેડુતોના પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન અને ખેત પેદાશોના વેચાણને વધારવાના ઉપાયો પણ સુચવ્યા હતા.

આ અવસરે જિલ્લાના વિવિધ પ્રગતિશીલ ખેડુતો દ્વારા તેમની પ્રાકૃતિક કૃષિ ઉપજોના સ્ટોલનુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ. જેની રાજ્યપાલએ મુલાકાત લઈ પ્રત્યેક સ્ટોલ ધારક ખેડુત સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ સ્ટોલમાં હયાત ચીજ વસ્તુઓ અને ખેતપેદાશોની ગુણવત્તાની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી અને ખેડુતોને સીધો પ્રશ્ન કર્યો હતો કે શું ખરેખર જમીની સ્તર પર પ્રાકૃતિક ખેતી ખેડુતો માટે લાભદાયક બની છે કે નહિ? જેના જવાબમાં ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમની ખેત-ઉપજમાં આવેલ વધારા અને ખેતીના ખર્ચના ઘટાડાની વાત રજૂ કરી હતી.

આ અવસરે ખેડા જિલ્લાની પ્રાકૃતિક કૃષિનો ચિતાર આપતા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હાલ ખેડા જિલ્લામાં ૮૫૫૦ થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. જિલ્લામાં કુલ ૨૯૦ જેટલા મોડેલ ફાર્મમાં ખેડુતોને પ્રાકૃતિક કૃષિની સતત તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. સાથે જ પ્રાકૃતિક કૃષિની ખેત-પેદાશના વેચાણને પ્રોત્સાહન આપવા માટે જિલ્લામાં ૧૨ વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. દેશી ગાય નિભાવ પોષણ યોજના અંતર્ગત જિલ્લાના ૫,૧૦૦ થી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં, વર્ષ ૨૦૨૬-૨૭માં જિલ્લામાં ૨,૦૪૦ લાભાર્થીને પ્રથમ હપ્તા પેટે ૧.૧૦ કરોડનું ચુકવણું કરવામાં આવેલ છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img