નવી દિલ્હી, 16 નવેમ્બર 2026: પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવો વચ્ચે હવે ભારતીય ગ્રાહકોનો ઝુકાવ ઝડપથી ઈલેક્ટ્રિક કાર તરફ વધી રહ્યો છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં દેશભરમાં ૩ લાખથી વધુ ઈલેક્ટ્રિક કારનું વેચાણ થઈ ચૂક્યું છે. આ ઐતિહાસિક આંકડા સાથે ઈલેક્ટ્રિક કારના વેચાણે અત્યાર સુધીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
‘વાહન’ પોર્ટલના તાજા આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 9 નવેમ્બર, 2026 સુધીમાં ભારતમાં કુલ 3,04,701 ઈલેક્ટ્રિક કાર રજિસ્ટર થઈ છે. ગત વર્ષ 2025 માં સમગ્ર વર્ષ દરમિયાન 1.96 લાખ ઈલેક્ટ્રિક કાર વેચાઈ હતી, જેની સરખામણીમાં અત્યાર સુધીમાં જ વેચાણમાં લગભગ 56 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. જો વર્ષના અંતિમ બે મહિનામાં પણ વેચાણની આ જ ગતિ જળવાઈ રહેશે, તો ડિસેમ્બર સુધીમાં આ આંકડો 3.25 લાખ યુનિટને પાર કરી શકે છે, જે વાર્ષિક ધોરણે લગભગ 66 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ટાટા મોટર્સ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કારના 7 વિવિધ મોડલ ધરાવતી ટાટા મોટર્સે 9 નવેમ્બર સુધીમાં કુલ 1.20 લાખ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે અને તેનો માર્કેટ શેર 39.67 ટકા રહ્યો છે. આ યાદીમાં મહિન્દ્રાએ મોટી છલાંગ લગાવી છે. ગત વર્ષે બીજા સ્થાને રહેલી JSW MG મોટરને પાછળ છોડીને મહિન્દ્રા હવે દેશની બીજી સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર વેચતી કંપની બની ગઈ છે. મહિન્દ્રાએ આ સમયગાળામાં 69660 કાર વેચીને 22.86 ટકા બજાર હિસ્સો હાંસલ કર્યો છે.








