અમદાવાદ, 16 નવેમ્બર 2026: કેન્દ્રીય રેલવે અને જળ શક્તિ રાજ્ય મંત્રી વી. સોમન્નાએ તારીખ 15 નવેમ્બર 2026ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કામો તેમજ નિર્માણાધીન અમદાવાદ હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે બંને મહત્વપૂર્ણ પરિયોજનાઓની પ્રગતિનો તાગ મેળવ્યો તથા સંબંધિત અધિકારીઓ પાસેથી કામોની વર્તમાન સ્થિતિ, નિર્માણની સમય-મર્યાદા અને ભવિષ્યની કાર્યયોજના અંગે વિસ્તૃત માહિતી મેળવી.
નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધક (DRM), અમદાવાદ વેદ પ્રકાશ, મુખ્ય પ્રશાસનિક અધિકારી (બાંધકામ) પ્રદીપ ગુપ્તા, રેલ ભૂમિ વિકાસ પ્રાધિકરણ (RLDA) ના CPM સંજીવ કુમાર તથા નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર રાજેશ અગ્રવાલ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામોનું નિરીક્ષણ કરતા રાજ્ય મંત્રીએ સ્ટેશન સંકુલમાં વિકસાવવામાં આવી રહેલી આધુનિક યાત્રી સુવિધાઓ, પાયાની માળખાકીય સુવિધાઓ, યાત્રીઓની અવરજવરની વ્યવસ્થા તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલા નિર્માણ કાર્યોની માહિતી મેળવી.

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ: અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક અને વિશ્વ કક્ષાની સુવિધાઓથી યુક્ત એકીકૃત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પરિયોજના હેઠળ આધુનિક સ્ટેશન ભવન, વિશાળ પેસેન્જર કોન્કોર્સ, એલિવેટેડ રોડ, ઉત્તમ પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા તથા યાત્રીઓની અવરજવરને સરળ બનાવવા માટે વિવિધ પાયાની સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ ભારતીય રેલવે, મેટ્રો અને હાઇ-સ્પીડ રેલ સેવાઓ વચ્ચે ઉત્તમ સાંમજસ્ય સ્થાપિત કરવાનો અને યાત્રીઓને અનુકૂળ પરિવહન અનુભવ ઉપલબ્ધ કરાવવાનો છે. ત્યારબાદ રાજ્ય મંત્રીએ નિર્માણાધીન અમદાવાદ હાઇ-સ્પીડ રેલ સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે બુલેટ ટ્રેન સ્ટેશનના બાંધકામ કામોની પ્રગતિ, આધુનિક ટેકનિકલ વ્યવસ્થાઓ તેમજ પરિયોજનાના વિવિધ ઘટકોની માહિતી મેળવી. આ દરમિયાન NHSRCLના અધિકારીઓ દ્વારા પરિયોજનાની વર્તમાન સ્થિતિ અને બાંધકામ સાથે જોડાયેલા મુખ્ય કામો વિશે વિગતવાર પ્રસ્તુતિ આપવામાં આવી.
અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન: મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ વિકસાવવામાં આવી રહેલું અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન આશરે 38,000 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન હાલના અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની ઉપર વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનમાં બે પ્લેટફોર્મ હશે તથા તેની વાસ્તુકલા અમદાવાદની સાંસ્કૃતિક ઓળખથી પ્રેરિત છે. તેની છતને પતંગોના આકાર તથા બહારના સ્વરૂપને પ્રસિદ્ધ સિદી સૈયદની જાળીની ડિઝાઇનથી પ્રેરિત કરવામાં આવી છે. સ્ટેશન પર આધુનિક વેઇટિંગ રૂમ, વિશ્રામ ગૃહ, રિટેલ આઉટલેટ્સ, લિફ્ટ અને એસ્કેલેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે તેને હાલના રેલવે સ્ટેશન અને કાલુપુર મેટ્રો સ્ટેશન સાથે પણ જોડવામાં આવશે.
નિરીક્ષણ દરમિયાન ભારતીય રેલવેના હાલના અમદાવાદ રેલવે સ્ટેશન અને નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે ઉત્તમ કનેક્ટિવિટી અને યાત્રીઓની નિર્વિઘ્ન અવરજવર સુનિશ્ચિત કરવા સંબંધિત વ્યવસ્થાઓ પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી. બંને પરિયોજનાઓ વચ્ચે સાંમજસ્ય સ્થાપિત કરવા તથા યાત્રીઓને ભવિષ્યમાં એકીકૃત અને અનુકૂળ પરિવહન અનુભવ ઉપલબ્ધ કરાવવાના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી. અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ અને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલવે પરિયોજના હેઠળ બુલેટ ટ્રેન સ્ટેશનનું બાંધકામ ગુજરાતમાં આધુનિક પરિવહન માળખાકીય સુવિધાઓને નવી દિશા આપતી મહત્વપૂર્ણ પહેલ છે. આ પરિયોજનાના પૂર્ણ થવા પર અમદાવાદમાં રેલવે યાત્રીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે ક્ષેત્રમાં રેલવે કનેક્ટિવિટી અને પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.








