HomerevoinewsBAOU ખાતે રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં ત્રણ યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સમજૂતી...

BAOU ખાતે રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં ત્રણ યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સમજૂતી કરાર

અમદાવાદ, 16 નવેમ્બર, 2026 – BAOU – Governor Shri Anandiben Patel ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં આજે સોમવારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (બીએઓયુ) ખાતે ત્રણ યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સમજૂતી કરાર થયા હતા.

સોમવાર 16 નવેમ્બર 2026ના રોજ ઉત્તર પ્રદેશનાં માનનીય રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલ સાથે ઉત્તરપ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી, પ્રયાગરાજ અને પ્રો. રાજેન્દ્ર સિંહ (રજ્જુ ભૈયા) યુનિવર્સિટી, પ્રયાગરાજના શૈક્ષણિક પ્રતિનિધિમંડળે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ની મુલાકાત લીધી. મુલાકાતનો હેતુ BAOUમાં ચાલતી શૈક્ષણિક બેસ્ટ પ્રેક્ટિસિસ તથા ઇનિશિએટીવ્સને જાણવા અને સમજવાનો હતો.

Academic Memorandum of Understanding Signed Between Three Universities at BAOU in the Presence of Governor Smt. Anandiben Patel
Academic Memorandum of Understanding Signed Between Three Universities at BAOU in the Presence of Governor Smt. Anandiben Patel

આ મુલાકાતમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશનાં માનનીય રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલ ઉપસ્થિત રહ્યાં. તેમની સાથે પ્રો. રાજેન્દ્ર સિંહ (રજ્જુ ભૈયા) યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. એ. કે. સિંઘ, ઉત્તર પ્રદેશ રાજભવનના એસીએસ ડૉ. સુધીર એમ. બોબડે (IAS) અને રજિસ્ટ્રાર કર્નલ વિનય કુમાર જોડાયા હતા.

આ પણ વાંચોઃ ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં ધર્માંતર અને ગુજરાતીઓ સાથે ભેદભાવના ગંભીર આક્ષેપ

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય દ્વારા સર્વે મહાનુભાવોને આવકારવામાં આવ્યાં. મહાનુભાવો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કુલગુરુ દ્વારા વિશેષ રૂપે માનનીય રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું.

શૈક્ષણિક પ્રતિનિધિમંડળના મૂળ હેતુને અનુરૂપ પ્રો. અમી ઉપાધ્યાય દ્વારા માનનીય રાજ્યપાલ અને પ્રતિનિધિમંડળ સમક્ષ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. તેમાં શૈક્ષણિક બેસ્ટ પ્રેક્ટિસિસ, શૈક્ષણિક સિદ્ધિઓ તથા ઇનિશિએટીવ્સની રજૂઆત કરવામાં આવી. BAOUની કાર્યપ્રણાલી અને વ્યવસ્થાપનથી માનનીય રાજ્યપાલશ્રી અને શૈક્ષણિક પ્રતિનિધિમંડળના પ્રતિનિધિઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રી અને પ્રતિનિધિમંડળનો યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફ સાથે વાર્તાલાપ તથા શૈક્ષણિક સમજૂતી કરાર (MoU) સંદર્ભે વિશેષ કાર્યક્રમ યોજાયો.

માનનીય રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલે શૈક્ષણિક સ્ટાફ સાથે વાર્તાલાપ કરતાં વિશેષ ઉદ્બોધન આપ્યું. તેમણે BAOUનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય દ્વારા યુનિવર્સિટીની શૈક્ષણિક ગતિવિધિ અને ઉપલબ્ધિઓ વિષયક રજૂ થયેલ પ્રસ્તુતિને બિરદાવીને જણાવ્યું કે અમે અહીં શીખવા આવ્યાં છીએ. જ્યાંથી પણ શીખવા મળે છે ત્યાંથી કશુંક નવું શીખવું જોઈએ.

આ પણ વાંચોઃ અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલાના કાવતરા અંગે ભારતની ગંભીર ચિંતા

રાજ્યપાલશ્રીએ ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીઓની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર ઉપલબ્ધિઓની વિગતો, ઉત્તર પ્રદેશના ઉચ્ચ શિક્ષણ જગતના વિવિધ આયામોની વિગતો હૃદયસ્થ હોવાના કારણે સીધી અને અસરકારક રીતે આંકડાકીય વિગતો સાથે રજૂઆત કરી, જે શ્રોતાઓ માટે અપૂર્વ અનુભવ રહ્યો. શિક્ષણની પ્રગતિ, આયોજન અને સક્રિયતા વિશેનું તેમનું ઉદ્બોધન તેમની ઉચ્ચ શિક્ષણ માટેની પ્રતિબદ્ધતા અને નિસબતના સાર્થક પરિચય સમાન બની રહ્યું.

આંગણવાડી ક્ષેત્રથી લઈને યુનિવર્સિટી-શિક્ષણ સુધીના વિકાસ, સંકલ્પસિદ્ધિ અને જનસમુદાયના સહયોગથી સક્રિયતાનાં વિવિધ પરિણામો વિશેની વાત અને ઉત્તર પ્રદેશમાં કન્યાકેળવણી મુદ્દે જાગૃતિ લાવવાની સાથે સંસ્કારસંવર્ધન અને આત્મબળમાં અભિવ્યક્તિ થાય એવા પ્રયોગોની રજૂઆત અસરકારક રહી.

ઉત્તર પ્રદેશમાં ઝૂંપડપટ્ટીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે પ્રેરિત કરવાના સફળ પ્રયાસો દ્વારા સમાજના વંચિત સમુદાય પ્રત્યેની તેમની નિસબત વ્યક્ત થઈ. શિક્ષણ દ્વારા સમાજપરિવર્તન, નાગરિક-ઘડતર અને જનસમુદાયની જાગૃતિ માટેની મથામણની નેકદિલ અભિવ્યક્તિનો યાદગાર અનુભવ રહ્યો.

રાજ્યપાલશ્રીએ ઉત્તર પ્રદેશના જનભવનની સમરસતામૂલક સક્રિયતા, જાતિભેદથી મુક્ત વાતાવરણનું નિર્માણ થાય તેવા વિવિધ પ્રયાસ, સમૂહ ભોજન, શ્રમયજ્ઞ, અસ્પૃશ્યતા નિવારણ અને સૌને સાથે લઈને ચાલવા માટે રાજ્યપાલ-કક્ષાએ થયેલા ઉપક્રમોની વિનમ્ર જાણકારી ઉપસ્થિત સર્વ માટે ખૂબ પ્રેરક રહી. તેમના સમગ્ર વક્તવ્યમાં બુનિયાદી તાલીમ અને સમાનતાના સિદ્ધાંતને લાગુ કરવાની નિષ્ઠાનાં દર્શન થયાં.

આ પણ વાંચોઃ ભવિષ્યના યુદ્ધો માટે ભારતની સ્વદેશી અંતરિક્ષ ક્ષમતા મજબૂત કરવી અનિવાર્ય: CDS

કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે ઉત્તર પ્રદેશના વિદ્યાજગતમાં તથા જનજીવનમાં નોંધપાત્ર પરિવર્તન માટે નિમિત્ત એવાં રાજ્યપાલ શ્રી આનંદીબહેન તથા ઉત્તર પ્રદેશના શિક્ષણજગતના પ્રતિનિધિઓનું શાબ્દિક તથા સ્મૃતિભેટથી ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. BAOUના જ્યોતિર્મય પરિસરના પ્રેરક, માર્ગદર્શક અને ઉદ્ઘાટક એવાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી આનંદીબહેનનાં પ્રદાનનું સ્મરણ કર્યું.

કુલગુરુશ્રી ડૉ. એ. કે. સિંઘે જણાવ્યું કે BAOUમાં મુલાકાતની આ તક અમારા માટે વિશેષ ઉપલબ્ધિ છે. તેમણે BAOUના જ્યોતિર્મય પરિસરની શૈક્ષણિક મુલાકાતને લાભદાયક ગણવાની સાથે સ્કિલબેઝ અભ્યાસક્રમોના મહત્ત્વની વાત કરી. BAOU સાથેના શૈક્ષણિક અનુબંધને દીર્ઘકાલીન સિદ્ધિ તરીકે વિકસાવવાની તેમણે ઇચ્છા વ્યક્ત કરી.

ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, પ્રો. રાજેન્દ્ર સિંહ (રજ્જુ ભૈયા) યુનિવર્સિટી અને ઉત્તરપ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી – એમ ત્રણેય યુનિવર્સિટીનાં કુલગુરુશ્રી વચ્ચે રાજ્યપાલશ્રીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં શૈક્ષણિક સમજૂતી કરારનું આદાન-પ્રદાન થયું.

સમગ્ર દેશમાં દૂરવર્તી શિક્ષણ અને ઓનલાઇન એજ્યુકેશન ક્ષેત્રે BAOUની કામગીરીની રાજ્યપાલશ્રી તથા અન્ય મહેમાનોએ આદરપૂર્વક નોંધ લીધી. BAOU પરિસરની આ મુલાકાત પરિણામલક્ષી કામગીરી માટેની પ્રતિબદ્ધતા માટે દિશાસૂચક બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત થયો. કાર્યક્રમનું આભારદર્શન પ્રો. નિલેશ મોદી દ્વારા અને સંચાલન ડૉ. નેહા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img